ડિજિટલ યુગમાં બાળકો પાછળ વધેલો ખર્ચ

Wednesday 11th August 2021 05:13 EDT
 

લંડનઃ આ ડિજિટલ યુગ છે ત્યારે બાળકોનો ઉછેર પણ તેમાંથી શા માટે બાકાત રહે? મની સુપરમાર્કેટ દ્વારા શાળાએ જતાં બાળકોનાં ૨૦૦૦ પેરન્ટ્સના સંશોધન મુજબ યુકેમાં બાળક ૧૬ વર્ષનું થાય સુધીમાં પેરન્ટ્સ તેના ઉછેરના ટેકનોલોજી -ડિજિટલ ખર્ચા પાછળ ઓછામાં ઓછાં ૪,૩૪૦ પાઉન્ડ સુધીનો ખર્ચ કરે છે જે ૨૦૧૯ની સરખામણીએ લગભગ બમણો થઈ ગયો છે. બાળઉછેરમાં ટેકનોલોજીનો ઉપયોગ પેરન્ટ્સને સંતાનદીઠ સરેરાશ ૨૩૨ પાઉન્ડનો વાર્ષિક ખર્ચ કરાવે છે. બે વર્ષ અગાઉ આ ખર્ચ સરેરાશ ૧૦૨ પાઉન્ડનો હતો.

MoneySuperMarket સંસ્થાની ગણતરી અનુસાર સરેરાશ પરિવારમાં ૧.૭ બાળક હોય છે અને તેઓ ૧૬ વર્ષની વયે પહોંચે ત્યાં સુધી પેરન્ટ્સ ટેકનોલોજી પાછળ ૪,૩૪૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. આ ઉપરાંત, બાળકો ૧૧ વર્ષથી ૧૬ વર્ષ સુધીના થાય ત્યાં સુધી તેમના માટે પોકેટ મની (૪,૨૪૩ પાઉન્ડ), યુનિફોર્મ (૪,૧૦૪ પાઉન્ડ), પેક્ટ લંચ્સ (૪,૧૫૭ પાઉન્ડ), વધારાની પ્રવૃત્તિ (૩,૯૬૦ પાઉન્ડ), લંચ મની (૩,૯૧૭ પાઉન્ડ), સામાજિક પ્રવૃત્તિઓ (૩,૮૩૩ પાઉન્ડ), આફ્ટર-સ્કૂલ ક્લબ્સ અને અન્ય સંભાળ (૩,૬૬૫ પાઉન્ડ), સ્કૂલના પ્રવાસો (૩,૬૩૫ પાઉન્ડ), ટ્રાન્સપોર્ટેશન (૩,૩૬૯ પાઉન્ડ)ના સરેરાશ ખર્ચ પણ પેરન્ટ્સ કરે છે.

પેરન્ટ્સ કોરોના લોકડાઉનમાં બાળકોને શિક્ષણ આપવા ટેકનોલોજી પર વધુ આધાર રાખતા થયા છે. સમગ્ર દુનિયામાં છેલ્લા દોઢ વર્ષથી શાળા- કોલેજોમાં ડિજિટલ માધ્યમથી શિક્ષણ અપાવાના પરિણામે બ્રોડબેન્ડનો ખર્ચો પણ વધ્યો છે. દરેક ઘરોમાં મોબાઈલ ડેટાના બદલે વાઈફાઈ દ્વારા ડેટાનો ઉપયોગ કરવાનું શરૂ કરાયા પછી ડેટાનો વપરાશ પણ વધેલો જોવા મળે છે.

આ રિપોર્ટ અનુસાર ૭૭ ટકા પેરન્ટ્સ બાળકોને શાળાએ મોકલવાના થતાં ખર્ચા બાબતે ચિંતિત છે. ૧૭ ટકા પેરન્ટ્સ કહે છે કે મોંઘી ટેકનીક ખરીદવા માટે તેમણે ભારે દબાણનો સામનો કર્યો હતો એટલું જ નહિ, વર્ક ફોર્મ હોમને કારણે પણ ડિજિટલ ખર્ચો વધી જવા પામ્યો છે. શાળા સંબંધિત ખર્ચા પરવડતા ન હોય ત્યારે ૨૪ ટકા પેરન્ટ્સ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી કરે છે. અન્ય વિકલ્પો એકત્ર બચત વાપરવી (૨૧ ટકા) તેમજ પરિવાર અને મિત્રો પાસેથી મદદ (૧૮ ટકા) માગવાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter