લંડનઃ યુકેસ્થિત વિદેશી રાજદ્વારીએ પોતાની અપરીણિત પુત્રીને જન્મેલી બાળકીને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત હાઈ કોર્ટ સમક્ષ કરાઈ છે. હોસ્પિટલમાં લાંબો સમય સહ્યા પછી તરુણ દીકરી ઘેર પાછી ન આવે તેમ રાજદ્વારીનો પરિવાર ઈચ્છે છે. પિતા ડિપ્લોમેટિક ઈમ્યુનિટી ધરાવતા હોવાથી તરુણીએ પરિવાર સાથે યુકે છોડવું પડે તેવાં સંજોગો સર્જાયા છે.
હાલ ૧૭ વર્ષની તરુણી તેના માતાપિતા સાથે સપ્ટેમ્બર ૨૦૧૩માં યુકે આવી હતી. માર્ચ ૨૦૧૪માં માનસિક આરોગ્યની સમસ્યાના કારણે હોસ્પિટલમાં લાંબા રોકાણ પછી તે ઘેર પાછી ન ફરે તેમ પરિવાર ઈચ્છે છે. છોકરીએ ગર્ભપાત કરાવી એરેન્જ્ડ મેરેજ માટે પરદેશ જવું જોઈએ તેમ તેના પિતા ઈચ્છતા હતા. તરુણીના પિતાએ તેના સંતાનની હત્યા કરવાની ધમકી આપી હોવાના પણ આક્ષેપ છે. તરુણ માતા અને તેનું બાળક નવેમ્બર ૨૦૧૪થી લોકલ ઓથોરિટીના રહેઠાણમાં છે અને તેનો પરિવાર દેશ છોડી ગયો છે તેમ કોર્ટ સમક્ષ જણાવાયું હતું.

