લંડનઃ ડિમેન્શિયા ધરાવતા હજારો સાઉથ એશિયન લોકો માટે યુકેની જરીપુરાણી હેલ્થ સર્વિસીસ નિષ્ફળ પુરવાર થઈ રહી છે કારણકે તે વાસ્તવમાં વ્હાઈટ બ્રિટિશ પેશન્ટ્સ માટે તૈયાર કરવામાં આવી હતી. આના પરિણામે, નિદાન, સારસંભાળ અને સપોર્ટમાં અસમાનતા સર્જાતી હોવાનું અલ્ઝાઈમર્સ સોસાયટીના નવા રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ અનુસાર કેસીસમાં સાત ગણા વધારાની આગાહી કરાઈ છે જેના માટે હેલ્થ સર્વિસીસ તૈયાર નથી.
યુકેમાં સામાન્ય વસ્તીની સરખામણીએ સાઉથ એશિયન વારસાના લોકોમાં ડિમેન્શિયાનું જોખમ વધારતી હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક અને ડાયાબિટીસ જેવી અન્ય બીમારીઓ થવાનું જોખમ ઊંચુ રહે છે. આગામી ત્રણ દાયકામાં સામાન્ય વસ્તી માટે 100 ટકાની સરખામણીએ ડિમેન્શિયા ધરાવતા સાઉથ એશિયન્સના પ્રમાણમાં 600 ટકાનો વધારો થશે તેવી ચેતવણી રિપોર્ટમાં અપાઈ છે. બીજી તરફ, સારસંભાળના ધારાધોરણના સૌથી મોટા રિવ્યુ અનુસાર ડિમેન્શિયાગ્રસ્ત સાઉથ એશિયન્સને સમયસર અથવા વહેલા નિદાન, સારવાર તેમજ નિદાન પછી સપોર્ટ મળવાની શક્યતા ઓછી છે. આનુ કારણ એ જણાવાયું છે કે દાયકાઓ અગાઉ મુખ્યત્વે વ્હાઈટ વસ્તીને ધ્યાનમાં રાખીને જ ‘સંપૂર્ણ અપૂરતી’ સિસ્ટમ ગોઠવવામાં આવી હતી.
ડિમેન્શિયાના નિદાન, સારસંભાળ અને સપોર્ટમાં અવરોધો સાઉથ એશિયન લોકોની જિંદગીને માનસિક, શારીરિક, સામાજિક અને નાણાકીય દૃષ્ટિએ નુકસાન પહેોંચાડે છે. આના પરિણામે, ઘણા લોકો એકલવાયાપણા, એન્ગ્ઝ્યાઈટી, એકાંત અને ડિપ્રેશનથી પીડાય છે.
આ રિપોર્ટના આલેખક અને યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનમાં ડિમેન્શિયાના વ઼ા કરન જુટિલા કહે છે કે સૌ પહેલા તો સાઉથ એશિયન લોકો માટે યોગ્ય સાંસ્કૃતિક નિદાન ટૂલ્સના અભાવે ડિમેન્શિયાનું નિદાન થવું મુશ્કેલ છે. પ્રથમ પેઢીના સાઉથ એશિયન્સ માટે ભાષાની મુશ્કેલી પણ નડે છે. નિદાન કરાયા પછી પણ હેલ્થ અને કેરના સ્ટાફ તેમની આસ્થા, સાંસ્કૃતિક ધોરણો અથવા આહારની જરૂરિયાતોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ જાય છે.


