લંડનઃ રોયલ મેઇલ દ્વારા ડિલિવરીના લક્ષ્યાંક હાંસલ કરવા માટે કેવા પ્રકારના ગતકડાં કરવામાં આવે છે તેનો વરવો ચિતાર પોસ્ટલ વર્કરો દ્વારા જ આપવામાં આવ્યો છે. સમગ્ર યુકેના પોસ્ટલ વર્કરોએ જણાવ્યું છે કે અમને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ટપાલ સંતાડી દેવાની સૂચના આપવામાં આવે છે જેથી ડિલિવરીના લક્ષ્યાંકો હાંસલ કરી શકાય. મેનેજરો દ્વારા અમને અવારનવાર કહેવામાં આવે છે કે ટપાલને રાઇડ પર લઇ જાવ.
રોયલ મેઇલે જણાવ્યું છે કે અમે ટપાલ સંતાડવાના કર્મચારીઓના દાવાની તપાસ ગંભીરતાથી કરી રહ્યાં છીએ. 92 ટકા લેટર્સની સમયસર ડિલિવરી થઇ રહી છે.
આ પહેલાં પોસ્ટલ વર્કર્સ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેમના પર પાર્સલની ડિલિવરીને પ્રાથમિકતા આપવા દબાણ કરવામાં આવે છે. ઘણી ડિલિવરી ઓફિસમાં સ્ટાફને ફર્સ્ટ ક્લાસ મેઇલને પ્રાથમિકતા આપવા સૂચના અપાય છે.
લેટર્સની ડિલિવરીમાં વિલંબને કારણે જનતાને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેઓ હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ ગુમાવી દે છે અને અન્ય મહત્વના લેટર્સ પણ તેમને સમયસર મળતાં નથી.
નામ નહીં આપવાની શરતે પોસ્ટલ વર્કર્સે જણાવ્યું હતું કે, અમને કહેવામાં આવે છે કે ટેક ધ મેઇલ ફોર ધ રાઇડ. આ અમારી ઓફિસોમાં સામાન્ય કહેવત છે.
બર્મિગહામમાં કચરાપેટીમાંથી રોયલ મેઇલની કવરબંધ ટપાલો મળી આવી
બર્મિંગહામના સોલ્ટલીમાં કચરાપેટીમાંથી કવરબંધ ટપાલો મળી આવતાં રોયલ મેઇલે તપાસ શરૂ કરી છે. આ ટપાલો નજીકના સરનામાઓની હતી અને તેમા બેન્ક, યુટિલિટી કંપનીઓ અને એનએચએસ દ્વારા મોકલાયેલ ટપાલોનો સમાવેશ થતો હતો.
રોયલ મેઇલે જણાવ્યું હતું કે, ટપાલની સુરક્ષા અમારા માટે અત્યંત મહત્વની છે અને અમે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઇ રહ્યાં છીએ. લોકલ ડિલિવરી ઓફિસ તેની તપાસ કરી રહી છે અને યોગ્ય પગલાં લેશે.


