લંડનઃ માર્ચ મહિનાના અંત સુધીના વાર્ષિક ક્વોલિટી-ઓફ-સર્વિસ અહેવાલ અનુસાર રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ કેટેગરીના માત્ર 75.7% પત્રો જ સમયસર પહોંચાડવામાં આવ્યા છે જે તેના નિર્ધારિત 93% ના લક્ષ્યાંક કરતાં ઘણા ઓછા છે. બીજી તરફ સેકન્ડ ક્લાસ લેટર્સની ડિલિવરીની સ્થિતિ પણ ચિંતાજનક છે. રોયલ મેઇલ નિર્ધારિત 98.5 ટકાના લક્ષ્યાંક સામે ત્રણ કામકાજના દિવસોમાં માત્ર 90.2% લેટર્સની જ ડિલિવરી કરી શકી છે.
જોકે રોયલ મેઇલ એવો દાવો કરી રહી છે કે તેની સેવામાં સુધારો થઈ રહ્યો છે અને આગામી વર્ષે આ સમય સુધીમાં તેઓ સુધારેલા નવા લક્ષ્યાંકો ફર્સ્ટ ક્લાસ પોસ્ટ માટે 90% અને સેકન્ડ ક્લાસ પોસ્ટ માટે 95% ડિલિવરીનો લક્ષ્યાંક હાંસલ કરી લેશે.
કોવિડ-19 મહામારી દરમિયાન કથળેલી કામગીરી બાદ, રોયલ મેઇલ છેલ્લા છ વર્ષથી પોતાનો વાર્ષિક લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં રેગ્યુલેટર ઓફકોમ દ્વારા લક્ષ્યાંકો ચૂકી જવા બદલ રોયલ મેઇલને 21 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
લંડન સહિત યુકેના વિવિધ પોસ્ટકોડમાં રોયલ મેઇલની સેવાઓ ખોરવાઇ
રોયલ મેઇલે લંડન સહિત સમગ્ર યુકેના વિવિધ પોસ્ટકોડ વિસ્તારોમાં સેવાઓ ખોરવાઈ હોવાની ચેતવણી જાહેર કરી છે. સ્પ્રિંગ બેંક હોલિડેના કારણે ગયા અઠવાડિયે કંપની દ્વારા કોઈ ડિલિવરી કે કલેક્શન ન કરવામાં આવ્યા બાદ આ ચેતવણી જારી કરાઇ હતી. 25 મે ના સોમવારના રોજ રોયલ મેઇલની કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી. કંપનીએ જણાવ્યું હતું કે, અમે શનિવાર સહિત વર્ષના મોટાભાગના દિવસોમાં તમારી ટપાલ પહોંચાડીએ છીએ અને એકત્રિત કરીએ છીએ. જો કે સામાન્ય રીતે જાહેર કે સ્થાનિક રજાઓના દિવસે અમે ડિલિવરી કે કલેક્શન કરતા નથી. ત્યારબાદના દિવસે સેવાઓ ફરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 1 જૂન સોમવાર સુધીમાં યુકેના ચોક્કસ વિસ્તારોમાં વધુ વિલંબના અહેવાલો સામે આવ્યા છે.


