લંડનઃ ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ પોસ્ટલ ડિલિવરી લક્ષ્યાંકો પૂરા કરવામાં નિષ્ફળ ગયેલી રોયલ મેઇલને કોમ્પિટિશન રેગ્યુલેટર દ્વારા 5.6 મિલિયન પાઉન્ડનો દંડ ફટકારાયો છે. પત્રો અને પાર્સલની ડિલિવરી કરવામાં સંઘર્ષ કરી રહેલી રોયલ મેઇલને આકરો ફટકો મારતાં ઓફકોમે જણાવ્યું હતું કે, રોયલ મેઇલને હડતાળોના કારણે મોટો ફટકો પડ્યો છે અને તેનો બિઝનેસ પ્રતિસ્પર્ધીઓ ખેંચી ગયાં છે તેમ છતાં રોયલ મેઇલે ગયા નાણાકીય વર્ષમાં ઘણા ઉલ્લંઘન કર્યાં છે.
છેલ્લા એક વર્ષમાં 93 ટકાના લક્ષ્યાંક છતાં રોયલ મેઇલ એક વર્કિંગ ડેમાં ફક્ત 73.7 ફર્સ્ટ ક્લાસ મેઇલ ડિલિવર કરી શકી હતી. સેકન્ડ ક્લાસ મેઇલના 98.5 ટકાના લક્ષ્યાંક સામે એક વર્કિંગ ડેમાં 90.7 ટકા જ ડિલિવર થઇ શકી હતી. 99.9 ટકાના ટાર્ગેટ સામે ફક્ત 89.35 ટકા ડિલિવરી રૂટ જ પૂરા કરી શકાયાં હતાં.
ઓફકોમના ડિરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ ઇયાન સ્ટ્રોહોર્ને જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં કોરોના મહામારીના કારણે રોયલ મેઇલની કામગીરી પર નોંધપાત્ર અસર થઇ હતી પરંતુ અમે કંપનીને ચેતવણી આપી હતી કે કોરોના મહામારી પછી તેણે કામગીરીમાં સુધારાનો પ્રયાસ કર્યો નથી. અમે મહામારીનું બહાનું ચલાવી લઇશું નહીં. કંપનીએ ગ્રાહકોને નિરાશ કર્યાં છે અને આ દંડ તેના માટે વેક અપ કોલ પૂરવાર થવો જોઇએ. રોયલ મેઇલ તેની જવાબદારીઓને વધુ ગંભીરતાથી લે.


