લંડનઃ ડિલિવરી ટાર્ગેટ હાંસલ કરવામાં સતત નિષ્ફળતા છતાં રોયલ મેઇલ દ્વારા ફરી એકવાર સ્ટેમ્પની કિંમતોમાં વધારો ઝીંકાયો છે. નવી કિંમતો આગામી મહિનાથી લાગુ થશે. રોયલ મેઇલ દ્વારા સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 4 પેન્સ અને ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 10 પેન્સનો વધારો કરાયો છે જેના પગલે 7 એપ્રિલથી ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પ માટે 1.80 પાઉન્ડ અને સેકન્ડ ક્લાસ સ્ટેમ્પ માટે 91 પેન્સ ચૂકવવા પડશે.
છેલ્લા 6 વર્ષમાં રોયલ મેઇલ દ્વારા ફર્સ્ટ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 8 વાર 137 ટકા સુધીનો વધારો કરાયો છે. જ્યારે સેકન્ડ ક્લાસ સ્ટેમ્પની કિંમતમાં 6 વાર વધારો કરાયો છે.
છેલ્લા પાંચ કરતાં વધુ વર્ષથી રોયલ મેઇલ ડિલિવરી ટાર્ગેટ હાંસલ કરી શક્તી નથી. લોકોને હંમેશા શંકા રહે છે કે તેમના મહત્વના દસ્તાવેજો અથવા તો લેટર્સ સમયસર આવી પહોંચશે કે કેમ. ડિલિવરીના દિવસોમાં કાપ અને ઘટાડેલા પર્ફોર્મન્સ ટાર્ગેટના કારણે સ્થિતિ વધુ બદતર બનવાનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં ઓફકોમ ફક્ત સ્ટેમ્પની કિંમતોમાં વધારો કરીને સંતોષ માની શકે નહીં. ઊંચા મૂલ્યની સામે ઊંચી ગુણવત્તા પણ હોવી જરૂરી છે. કિંમતમાં વધારાને રોયલ મેઇલની કામગીરી સાથે સાંકળી લેવી જોઇએ.
રોયલ મેઇલનું કહેવું છે કે સ્ટેમ્પની કિંમતમાં વધારો સતત વધી રહેલી ડિલિવરી કોસ્ટના કારણે કરાયો છે.


