ડિસ્પોઝેબલ કપ પર હવે ૨૫ પેન્સનો ટેક્સ લાગી શકે

Wednesday 10th January 2018 08:24 EST
 
 

લંડનઃ કોઈ પણ રેસ્ટોરાં, હોટલ, રેલવે સ્ટેશન અને ચા- કોફી શોપ પર ડિસ્પોઝેબલ કપ દેખાવા સામાન્ય છે. ચા-કોફી પીને નાખી દેવાના આ કપે બ્રિટન સામે પર્યાવરણની સમસ્યા ઊભી કરી છે. સાંસદોની સમિતિએ સરકારને કપદીઠ ૨૫ પેન્સ ટેક્સ લગાવવા ભલામણ કરી છે. એક રિપોર્ટ મુજબ બ્રિટિશરો દર વર્ષે ૨.૫ બિલિયન કપ્સ વાપરીને ફેંકી દે છે પરંતુ, ૪૦૦માંથી એક કપનું જ રીસાઈકલિંગ થાય છે. આ કારણે ૨૫,૦૦૦ ટન કચરો પેદા થાય છે. આ કપનું રિસાઈક્લિંગ ઘણું મોંઘુ છે. આ સંજોગોમાં બ્રિટને ડિસ્પોઝેબલ કપ્સને ૨૦૨૩ સુધીમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવા નિર્ણય કર્યો છે.

બ્રિટનને કપ્સ પરના ટેક્સમાંથી વર્ષે ૪૩૮ મિલિયન પાઉન્ડની કમાણી થશે, જેનો ઉપયોગ આ કપ્સના રિસાઈક્લિંગમાં થશે. જો ૨૦૨૩ સુધી આ કપ્સના ૧૦૦ ટકા રિસાઈક્લિંગની વ્યવસ્થા નહીં થાય તો તેના વપરાશ પર તે જ વર્ષે પ્રતિબંધ લગાવાશે. ટેક્સ લગાવવાથી વાર્ષિક ૩૦ ટકા કપ્સનો વપરાશ ઘટી શકે છે. ભારતમાં પણ ફક્ત ટ્રેનોમાં દર વર્ષે ૧૫ કરોડ ડિસ્પોઝેબલ કપનો વપરાશ થાય છે.

બ્રિટનમાં આ પ્લાસ્ટિક કપ્સનો વપરાશ ઘટાડવા ઝૂંબેશ ચાલી છે. યૂઝ્ડ કપ પાછા અપવા પર ડિસ્કાઉન્ટ અપાય છે. પ્રેટ એ કોફી ચેઈન દ્વારા યૂઝ્ડ કપ પાછા આપવા પર ડિસ્કાઉન્ટ જાહેર કરાયું છે. બીજી તરફ, લંડનમાં આગામી મહિનાથી સ્ટારબક્સ પસંદગીના ૨૫ સ્ટોરમાં કપદીઠ પાંચ પેન્સ ચાર્જ લાદવા સાથે જ રિયૂઝેબલ કપના વપરાશ પર ડિસ્કાઉન્ટ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter