ડિસ્પોઝેબલ વેપ્સ પર દેશવ્યાપી પ્રતિબંધ લદાશે

સુનાક સરકાર નવો કાયદો ઘડવાની તૈયારીમાં, હું દેશની ભાવિ પેઢીને સારું ભવિષ્ય આપવા માગું છુઃ વડાપ્રધાન

Tuesday 30th January 2024 11:46 EST
 
 

લંડનઃ યુવાઓને વેપિંગની બદીથી બચાવવા માટે સુનાક સરકાર ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ લાદવાની યોજના તૈયાર કરી ચૂકી છે. સરકાર બાળકોમાં વેપ્સના વેચાણને અટકાવવાના પગલાં પણ લેશે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે ધુમ્રપાન છોડવાનો પ્રયાસ કરી રહેલા પુખ્તો માટ વેપ્સ જેવા વિકલ્પો ઉપલબ્ધ બની રહે તેવા પ્રયાસ કરાશે. સરકારે જણાવ્યું છે કે સમગ્ર યુકેમાં ડિસ્પોઝેબલ વેપ્સ પર પ્રતિબંધ લદાશે. હાલ દેશમાં 18 વર્ષથી ઓછી વયના બાળકોને વેપ્સના વેચાણ પર પ્રતિબંધ અમલમાં છે. સરકાર માને છે કે આકર્ષક પેકિંગના કારણે યુવાઓમાં વેપિંગની માત્રા ભયજનક રીતે વધી રહી છે.

સુનાકે જણાવ્યું હતું કે, હું દેશની ભાવિ પેઢીને સારું ભવિષ્ય આપવા માગું છું. તેના માટે હું આકરા અને સાહસિક નિર્ણયો લેવાનું જારી રાખીશ. આ નિર્ણય આપણા દેશ માટે યોગ્ય છે. આપણા દેશની જરૂરીયાતોમાં લાંબાગાળાના બદલાવ માટે આ યોજના કામ કરશે.

સુનાકે જણાવ્યું હતું કે, બાળકોમાં વેપિંગ અટકાવવા માટે કડક પગલાં સાચી દિશામાં હતાં. બાળકોએ વેપિંગ કરવું જોઇએ નહીં. અમે નથી ઇચ્છતા કે બાળકો વેપિંગની બદીનો શિકાર બને. વેપિંગના કારણે લાંબાગાળે આરોગ્ય પર કેવી અસર થાય છે તે આપણે સમજી શક્તાં નથી.

સુનાકે જણાવ્યું હતું કે, બાળકોને વેપ્સનો ઉપયોગ કરતાં અટકાવવા અને ધુમ્રપાનનો ત્યાગ કરવા માટે પુખ્તો માટે વેપ્સ ઉપલબ્ધ બની રહે તે માટે અમે સંતુલન સાધી રહ્યાં છીએ. બાળકોને વેપ્સ ઉપલબ્ધ ન બને તે માટે અમે શક્ય એવા તમામ પગલાં લેવા માગીએ છીએ.

હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે, સંસદની ચૂંટણી પહેલાં સંસદમાં નવો કાયદો પસાર કરી લેવાશે અને 2025ના પ્રારંભથી આ કાયદો અમલમાં આવી જશે. છૂટક વેપારીઓને તેના અમલ માટે 6 મહિનાનો સમય અપાશે.

સરકાર દુકાનદારોને રિફિલેબલ વેપ્સ બાળકોથી દૂર રાખવા આદેશ આપશે. કયા પ્રકારની ફ્લેવર ધરાવતા વેપ્સ પર પ્રતિબંધ લાદવો અને રિફિલેબલ વેપ્સનું વેચાણ કેવી રીતે કરવું તે અંગે જાહેર જનતા પાસે મંતવ્યો આમંત્રિત કરવામાં આવશે. બાળકોને ગેરકાયદેસર રીતે વેપ્સનું વેચાણ કરતી દુકાનોને ભારે દંડની જોગવાઇ પણ કરાશે.

સ્નસ નિકોટિન પાઉચના બાળકોને વેચાણ પર પણ પ્રતિબંધ લદાશે

સરકાર સ્નસ નામે ઓળખાતા નિકોટિન પાઉચના 18 વર્ષથી નાના બાળકોને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની પણ યોજના બનાવી રહી છે. વેપિંગના વિકલ્પ તરીકે આ પ્રકારના ઉત્પાદનોનું ચલણ બાળકોમાં વ્યાપક બની રહ્યું હોવાની ચિંતા શાળાઓએ વ્યક્ત કરી છે. સ્મોકિંગ અને વેપિંગથી થતા નુકસાનથી બાળકોને બચાવવા માટેની સરકારની યોજનાના ભાગરૂપે આ પ્રતિબંધ લદાશે. સ્નસ પાઉચ નિકોટિન ધરાવતા નાના પેકિંગનો ઉપયોગ તમાકુને હોઠ અને અવાળા વચ્ચે ભરાવીને નશા માટે કરાતો હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter