લંડનઃ શૈક્ષણિક ડીગ્રી પણ તમારા લાક્ષણિક વ્યક્તિત્વની માહિતી આપતી હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. સંશોધકોએ અલગ અલગ વિષયોનો અભ્યાસ કરતા ૧૩,૦૦૦થી વધુ યુનિવર્સિટી વિદ્યાર્થી દ્વારા પ્રાપ્ત ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તેના તારણો કહે છે કે સાયન્સના સ્નાતકોને પાર્ટી કરવી વધુ પસંદ હોય છે, જ્યારે કાયદાના વિદ્યાર્થીઓ સ્વાર્થી હોય છે.
સંશોધકોને વ્યક્તિત્વના પાંચ મુખ્ય લક્ષણો અને અભ્યાસના વિષયો વચ્ચે સંબંધ જણાયો હતો. કાયદો, ઈકોનોમિક્સ, પોલિટિકલ સાયન્સ અને મેડિસિનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી અન્યોની સરખામણીએ વધુ બહિર્મુખ હોય છે. જોકે, સહમતિ, ઉદારતા કે અન્યને મદદરૂપ થવાની વાત આવે ત્યારે બિઝનેસ, ઈકોનોમિક્સ અને કાયદાના વિદ્યાર્થીઓનો સ્કોર તળિયે હતો. આર્ટ્સ અને હ્યૂમનિટિઝના વિદ્યાર્થીઓ તેમજ સાયકોલોજી અને પોલિટિક્સના વિદ્યાર્થીઓ ઓપનનેસના મુદ્દે ઊંચા સ્કોર સાથે જિજ્ઞાસુ, કલ્પનાશીલ અને આંતરિક લાગણીને માનનારા હતા. આ મુદ્દે ઈકોનોમિસ્ટ્સ, ઈજનેરો, ધારાશાસ્ત્રી અને વિજ્ઞાનીઓનો સ્કોર પ્રમાણમાં નીચો હતો.
જોકે, આર્ટ્સ અને હ્યૂમનિટિઝના વિદ્યાર્થીઓ અંતરાત્માના અવાજને ઓછો માને છે અને ન્યુરોટિક એટલે કે ચિંતા અને બદલાતા મિજાજનું પ્રમાણ વધુ હોય છે. આ લક્ષણોમાં સાયકોલોજીના વિદ્યાર્થીઓ પણ પાછળ નથી. ડેન્માર્કની યુનિવર્સિટી ઓફ આર્હસના ડોક્ટર અન્ના વિડેલનો અભ્યાસ જર્નલ પર્સનાલિટી એન્ડ ઇન્ડિવિડયુઅલ ડિફરન્સીસમાં પ્રસિદ્ધ કરાયો છે.


