લંડનઃ બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓમાંથી ઘણાએ ફર્સ્ટ ક્લાસ ડીગ્રી મેળવી નથી અને કેટલાકને તો થર્ડ ક્લાસ અથવા તેનાથી નીચેના સ્તરના ગણવામાં આવ્યા હતા. રોયલ સોસાયટીના ફેલો બનેલા આશરે ૩૦૦ એક્સપરિમેન્ટલ સાયન્ટિસ્ટ્સના કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી માત્ર અડધાએ અન્ડરગ્રેજ્યુએટ ડીગ્રીમાં ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હતો. ૧૦માંથી ત્રણને ૨ઃ૧ના પ્રમાણમાં અથવા તેનાથી નીચો ક્લાસ મળ્યો હતો, જ્યારે ૨૦ ટકા થર્ડ ક્લાસ અથવા કોઈ ઓનર્સ વિના જ પાસ થયા હતા. ૧૦માંથી એક પાસે તો કોઈ જ ડીગ્રી ન હતી.
ટાઈમ્સ હાયર એજ્યુકેશનની વેબસાઈટ પર વર્તમાન, ૧૯મી અને ૨૦મી સદીના વિજ્ઞાનીઓ વિશે અભ્યાસ મૂકાયો છે. રસાયણશાસ્ત્રી અને વીજચુંબકીય ક્ષેત્રના નિષ્ણાત માઈકલ ફેરેડેએ એપ્રેન્ટિસશિપ કરી હતી, ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને થીઓલોજીમાં સામાન્ય ડીગ્રી હાંસલ કરી હતી, જ્યારે ફીઝિસિસ્ટ જેમ્સ જૂલ પાસે કોઈ જ ડીગ્રી ન હતી.
યુનિવર્સિટી ઓફ ગ્લાસગોના સંશોધક ફ્રાન્સિસ હૂટને જણાવ્યું હતું કે,‘મારી યાદીમાં સૌથી જાણીતા વિજ્ઞાનીઓમાંના ઘણાએ સૌથી નીચાં ગ્રેડ મેળવ્યા હતા. સાચી વાત એ છે કે ડીગ્રી કે ગ્રેડ સંશોધન ક્ષમતા અને સંભાવનાના વિશ્વસનીય સંકેતો નથી.’
હૂટને રિસર્ચની જગાઓ માટે વિદ્યાર્થીઓની પસંદગી કરતી વેળાએ ‘વધુ વિચારપૂર્ણ અભિગમ’ અપનાવવા શિક્ષણવિદો, રિસર્ચ કાઉન્સિલો અને ઉદ્યોગોને અનુરોધ કર્યો હતો. નીચાં ગ્રેડ હોવાં છતાં ગર્ભિત ક્ષમતા ધરાવવા સાથે પ્રેરિત હોય તેમને સ્થાન મળવું જોઈએ તેમ તેમણે કહ્યું હતું.


