લંડનઃ મહિલાઓ વિરુદ્ધની હિંસાને નિયંત્રિત કરવાની યોજના અંતર્ગત સુનાક સરકાર જાતીય શોષણ આધારિત ડીપ ફેક ઇમેજ તૈયાર કરવાને અપરાધની શ્રેણીમાં સામેલ કરશે. મહિલાની સંમતિ વિના ડીપ ફેક ઇમેજિસ તૈયાર કરાર લોકોને જો તેમનો ઇરાદો તેને શેયર કરવાનો નહીં હોય તો પણ દોષી ઠેરવવામાં આવશે અને તેમને અમર્યાદિત દંડ ફટકારવામાં આવશે તેમ જસ્ટિસ મિનિસ્ટ્રી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જો દોષી દ્વારા ઇમેજ સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી હશે તો તેને જેલની સજા થશે.
આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઝડપથી પ્રગતિ થઇ રહી છે ત્યારે ડીપ ફેક ઇમેજિસ અને વીડિયોના દુષણમાં પણ વધારો થયો છે. યુકેમાં મહિલાઓ અને કન્યા વિરોધી હિંસાને રાષ્ટ્રીય જોખમ તરીકે વર્ગીકૃત કરાઇ છે. નવા કાયદાથી પોલીસને આ પ્રકારની પ્રવૃત્તિઓ ડામવામાં મદદ મળી રહેશે.
મિનિસ્ટર ફોર વિક્ટિમ્સ એન્ડ સેફગાર્ડિંગ લૌરા ફાર્રિસે જણાવ્યું હતું કે, આ નવો કાયદો સ્પષ્ટ સંદેશોઆપે છે કે આ પ્રકારનું મટિરિયલ તૈયાર કરવું અનૈતિક છે અને તેને અપરાધની શ્રેણીમાં સમાવવામાં આવશે. સરકાર મંજૂરી વિના જ અંગત પળોની તસવીર કે રેકોર્ડિંગ કરનારા લોકો માટે પણ કાયદામાં જોગવાઇ કરી રહી છે.


