લંડનઃ હાઇકોર્ટમાં પ્રાઇવસી કેસ હારી ગયા બાદ પ્રિન્સ હેરી અને અન્ય છ જાણીતી હસ્તીઓને ડેઇલી મેઇલના પબ્લિશર એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડને સાત દિવસમાં પ્રાથમિક ચુકવણી તરીકે 9.54 મિલિયન પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટના ચુકાદા મુજબ આ સાતેય દાવેદારોએ આગામી 28 ઓગસ્ટ સુધીમાં આ રકમ ચૂકવવાની રહેશે. પબ્લિશરની કાનૂની જીત બાદ ભવિષ્યમાં દાવેદારોએ વધારાના 25 મિલિયન પાઉન્ડ સુધીની રકમ ચૂકવવી પડી શકે છે.
આ કેસમાં દાવેદારોમાં પ્રિન્સ હેરી ઉપરાંત સર એલ્ટન જોન, તેમના પતિ ડેવિડ ફર્નિશ, સર સિમોન હ્યુજીસ, સેડી ફ્રોસ્ટ, એક્ટ્રેસ એલિઝાબેથ હર્લી અને બેરોનેસ ડોરીન લોરેન્સનો સમાવેશ થાય છે. તેમણે એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ પર ગેરકાયદેસર રીતે માહિતી એકત્ર કરવાનો આરોપ લગાવી દાવો માંડ્યો હતો. ગત 27 જુલાઈના રોજ મિસ્ટર જસ્ટિસ નિકલિને આ દાવાઓને રદ કરતા જણાવ્યું હતું કે, આ જાહેર હસ્તીઓ પોતાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે.


