લંડનઃ કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડ કેસમાં પતાવટ માટે ફેસબુક બ્રિટનની એક ડેટા સુરક્ષા એજન્સીને પાંચ લાખ પાઉન્ડની ચુકવણી કરતાં સહમત થઈ ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં બ્રિટનના માહિતી કમિશનરે રાજકીય અભિયાનો માટે વ્યક્તિગત ડેટાનો દુરુપયોગ કરવાના કેસમાં વિધિવત્ તપાસનો આરંભ કર્યો હતો.
જોકે, આ સોશિયલ નેટવર્કિંગ કંપનીએ થયેલા દંડ વિરુદ્ધ અપીલ કરી હતી. પરંતુ એજન્સીએ તે અપીલને પડકારી હતી. ફેસબુક આખરે પાંચ લાખ પાઉન્ડ ચૂકવવા સહમત થઈ છે પરંતુ દંડકીય જવાબદારી લેવાનો હજી સ્વીકાર નથી જ કર્યો. આઈસીઓએ-ફેસબુક દ્વારા અપીલ પાછી ખેંચીને દંડ ભરવા વ્યક્ત થયેલી સહમતિને આવકારી છે.
બ્રિટિશ ડેટા સુરક્ષા એજન્સીના અધિકારીએ જણાવ્યા મુજબ આઈઓસની મુખ્ય ચિંતા તે બ્રિટિશ નાગરિકોના ડેટાને પહોંચતું નુકસાન છે. વ્યક્તિગત માહિતી અને અંગત પ્રાઈવસી ખૂબ જ મહત્ત્વની બાબત છે. વ્યક્તિના અધિકારો અને લોકશાહી માટે તેની સુરક્ષા જરૂરી છે.