લંડનઃ પ્રોપર્ટીઝની સતત વધી રહેલી કિંમતો અને ટેક્સ ભરવા માટેની મર્યાદાઓ સ્થગિત કરાવાના કારણે ટ્રેઝરીને ઈન્હેરિટન્સ ટેક્સ (IHT)ની વિક્રમજનક 700 મિલિયન પાઉન્ડની આવક પ્રાપ્ત થઈ છે. જાન્યુઆરી સુધીના નાણાકીય વર્ષમાં ડેથ ડ્યૂટી તરીકે ઓળખાયેલા ટેક્સમાં 16 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.
ગત એપ્રિલ મહિનાથી પોતાની પાછળ નાણા અને સંપત્તિ છોડી જનારાઓ પાસેથી મળેલી કુલ ટેક્સની રકમ પાંચ બિલિયન પાઉન્ડને વટાવી ગઈ છે અને ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર નવો વિક્રમ બનાવવા તરફ આગળ વધી રહેલ છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કુલ 4.3 બિલિયન પાઉન્ડની આવક મળી હતી. મકાનોની કિંમતમાં બે આંકડાનો ઉછાળો અને ટેક્સ ભરવાને પાત્ર થતી રકમ સ્થગિત કરાયાથી આ વૃદ્ધિ થઈ છે. ચાન્સેલર રિશિ સુનાક જે લોકો મૃત્યુના સમયે સૌપ્રથમ વખત ઊંચા ટેક્સપયર બન્યા હતા તેમની પાસેથી બિલિયન્સ પાઉન્ડ એકત્ર કરવાની ફિરાકમાં છે.
ઈન્હેરિટન્સ ટેક્સ ચૂકવવાની પાત્રતા 325,000 પાઉન્ડથી વધુની કોઈ પણ એસ્ટેટ પર છે અને 40 ટકાના સ્ટાન્ડર્ડ ટેક્સ દરથી ચાર્જ કરાય છે. વર્ષ 2017માં વધારાનો 175,000પાઉન્ડનો રેસિડન્સ શૂન્ય ટેક્સ બેન્ડ દાખલ કરાયો હતો જે પણ ટેક્સ ફ્રી સ્ટેટસ આપે છે. સામાન્યપણે ઈન્ફ્લેશનની સાથે જ કરપાત્ર મર્યાદા વધતી હોય છે પરંતુ, ચાન્સેલરે પબ્લિક ફાઈનાન્સ એકત્ર કરવા ટેક્સ-ફ્રી લિમિટ એપ્રિલ 2026 સુધી સ્થગિત કરી દીધી છે. કોવિડ મહામારી ત્રાટક્યા પછી હાઉસિંગ માર્કેટમાં સરેરાશ મકાનની કિંમતમાં 40,000 પાઉન્ડ સુધીનો વધારો જોવા મળ્યો છે.
એક સમયે ઈન્હેરિટન્સ ટેક્સ ધનવાન લોકો પર લગાવાતા ટેક્સ તરીકે ગણાતો હતો પરંતુ, વાસ્તમાં યુકેની મોટા ભાગની પ્રોપર્ટી સ્ટાન્ડર્ડ ટેક્સ-ફ્રી બેન્ડથી માત્ર 50,000 પાઉન્ડ જેટલી ઓછી છે અને જે રીતે મકાનોની કિંમત વધતી જાય છે તેને જોતાં ઘણા લોકોએ જંગી IHT બિલનો સામનો કરવો પડશે.


