લંડનઃ યુકેમાં સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે તે સંબંધિત ધ સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટ-૨૦૨૨ જાહેર કરાયું છે. આ વાર્ષિક લિસ્ટ અનુસાર ગેમ્બલિંગ એન્ટ્રેપ્રીન્યોર ડેનિસ કોટ્સ અને તેના પરિવાર ૧૨ મહિનામાં સૌથી વધુ એટલે કે ૪૮૧.૭ મિલિયન પાઉન્ડના ટેક્સ સાથે ફરી એક વખત પ્રથમ ક્રમે આવેલ છે. આ વર્ષના ટેક્સ લિસ્ટમાં પ્રવેશ મેળવવા ઓછામાં ઓછાં ૧૫ મિલિયન પાઉન્ડનો ટેક્સ હોવો આવશ્યક હતો જે ગત વર્ષ કરતાં ૨ મિલિયન પાઉન્ડથી વધુ છે.
રેવન્યુ અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ (HMRC)ને ૧૧ લોકોએ ૧૦૦ મિલિયન પાઉન્ડથી વધુ ટેક્સ ચૂકવ્યો છે. ૨૦૨૧ની યાદી કરતા આવા ૪ ટેક્સપેયર વધ્યા છે અને તેના પરિણામે સરકારને ૫૧૦ મિલિયન પાઉન્ડની આવક વધી છે. HMRCને ગયા વર્ષે સૌથી મોટા ૫૦ કરદાતા પાસેથી ૩.૧૮ બિલિયન ટેક્સ તરીકે મળ્યા હતા જે આ વર્ષે વધીને ૩.૬૯ બિલિયન પાઉન્ડ થયા છે. નવાઈની બાબત એ છે કે સન્ડે રિચ લિસ્ટના ટોપ ટેનમાંથી માત્ર બે જ લોકો ટેક્સ લિસ્ટમાં છે. ટેક્સના દરેક પાંચ પાઉન્ડમાં આશરે ૧ પાઉન્ડની આવક જુગાર મારફત સૌથી વધુ કમાણી કરનારા પાસેથી આવતા હોવાનું સંશોધકોએ જણાવ્યું છે.
ગેમ્બલિંગ ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણો લાદવાની તૈયારી ચાલી રહી છે ત્યારે Bet365 કંપનીની ૫૪ વર્ષીય સ્થાપક ડેનિસ કોટ્સ સતત ત્રીજા વર્ષે યાદીમાં પ્રથમ છે. ડેનિસના પિતા બેટિંગ શોપ્સની નાની ચેઈન ચલાવતા હતા તે પછી ડેનિસે ભાઈ જ્હોન સાથે મળી જુગારનો ધંધો વિકસાવ્યો છે. માર્ચ ૨૦૦૧માં સ્થાપના પછી વિશ્વભરમાં Bet365ના ૬૩ મિલિયનથી વધુ ગ્રાહકો છે. ડેનિસ કોટ્સને ૨૦૨૦માં ૪૨૧.૨ મિલિયન પાઉન્ડ વેતન તરીકે મળ્યાં હતાં. યુકેમાં આશરે ૪૦૦,૦૦૦ લોકો અઠંગ જુગારી હોવાનું કહેવાય છે.
ટેક્સ લિસ્ટના ટોપ ટાઈકૂન્સ
ટેક્સ લિસ્ટના પ્રથમ ૧૦ નામોમાં હેજ ફંડ મેનેજર ક્રિસ રોકોસ (£૩૦૦ મિલિ.), સ્ટીફન રુબિન અને પરિવાર (£૨૫૬ મિલિ.),પ્રિમાર્કના માલિક વેસ્ટોન પરિવાર(£૧૭૫.૪ મિલિ.), બેટફ્રેડના સ્થાપક ફ્રેડ ડોન અને તેનો ભાઈ પીટર ((£૧૬૯.૮ મિલિ.), ધ એપ્રેન્ટિસના ફ્રન્ટમેન લોર્ડ સુગર (£૧૬૩.૪ મિલિ.), પીટર હેરિસ અને પરિવાર (£૧૪૧.૪ મિલિ.),સર ક્રિસ હોન (£૧૨૬.૧ મિલિ.), લીઓન શ્રોડર અને ફેમિલી (£૧૨૧.૨ મિલિ.), એલેક્સ ગેર્કો (£૧૧૭.૪ મિલિ.)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મિડલેન્ડ્સ ગેમિંગ ઓપરેશન ઈનટચ ગેમ્સના માલિક સિમોન અને યુ-લિન વિલ્સન, પૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી પોલ ડે, હેરી પોટરની લેખિકા જેકે રોલિંગ્સ, હોમ બાર્ગેઈન્સ ચેઈનના ટિમ મોરિસ, રિટેઈલર B&Mના સ્થાપક ત્રણ અરોરા ભાઈઓ- સિમોન, બોબી અને રોબિન, ધ રેન્જના સ્થાપક ક્રિસ ડાઉસન, સ્પોર્ટ્સ ડાયરેક્ટ ટાયકૂન માઈક એશ્લે પણ ટોપ-૫૦ની યાદીમાં છે.