લંડનઃ બ્રિટન પર સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડું ડેનિસ ત્રાટકતા ચોતરફ તારાજી સર્જાઈ છે. સ્ટોર્મ ડેનિસના કારણે સતત ત્રણ દિવસથી પડેલા વરસાદથી બ્રિટનના મોટા ભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે અને પાંચ વ્યક્તિના મોત સાથે સેંકડો લોકો ઘરવિહોણાં બન્યા છે. પૂરના કારણે ફેલાયેલી અરાજકતાને ‘નેશનલ ઈમર્જન્સી’ જાહેર કરવાની પણ માગણી કરાઈ છે. દરમિયાન, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લેતા રોષ પ્રવર્તી રહ્યો છે. એન્વિરોન્મેન્ટ એઅજન્સીએ ૬૦૦થી વધુ એલર્ટ જાહેર કર્યા પછી હજુ ભારે વરસાદ પડવાની આગાહી પણ કરી છે.
વાવાઝોડાને લીધે હવાઇ અને ટ્રેન વ્યવહાર ઠપ થયો હતો તેમજ ૫૦૦થી વધુ ફ્લાઇટ રદ કરાઇ અને ૧૦૦થી વધુ ટ્રેનો અટકાવાઇ હતી. આને કારણે ૪૦,૦૦૦થી વધુ પ્રવાસીઓ અધવચ્ચે અટવાયા હતા. ડેનિસ વાવાઝોડાએ વિનાશ વેરવાથી દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે ઉત્તર ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં ભારે બરફવર્ષાની પણ ચેતવણી આપી છે.
આ સિઝનનું ચોથું અને અઠવાડિયાનું બીજું મોટું વાવાઝોડું ૧૨ દિવસ અગાઉના સિસારા વાવાઝોડાથી વધુ ઘાતક છે. તેણે માત્ર ૪૮ કલાકમાં એક મહિના જેટલો વરસાદ પાડ્યો છે. સાઉથ વેલ્સ, હીઅરફર્ડશાયર, વર્સેસ્ટરશાયર અને શ્રોપશાયરમાં સૌથી વધુ નુકસાન થયું છે. રિવર વ્યેમાં ફ્લડ એલર્ટ જાહેર કરાયાના પગલે વેલ્સના મોનમાઉથમાં ઘરો ખાલી કરાવાયા હતા અને નદી પરનો પૂલ બંધ કરી દેવાયો હતો. હવામાનશાસ્ત્રી માર્કો પેટગ્નાએ જણાવ્યું હતું કે મંગળવારે યુકેના મોટા ભાગના વિસ્તારોમાં ખરાબ હવામાનમાંથી રાહત મળશે પરંતુ, વેલ્સમાં ભારે વરસાદ રહેશે. સમગ્ર યુકેમાં બુધવાર અને ગુરુવારે ભારે વરસાદની ચેતવણી પણ તેમણે આપી હતી.


