લંડનઃ બ્રિટિશ હેજ ફંડ ટ્રેડર સંજય શાહને ડેન્માર્કની અદાલત દ્વારા ટેક્સ કૌભાંડમાં સરકારને 1.3 બિલિયન અમેરિકન ડોલરનો ચૂનો લગાવવા માટે દોષી ઠરાવી 12 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. ડેન્માર્કના ઇતિહાસમાં ટેક્સ ફ્રોડ માટે ફટકારાયેલી આ સૌથી લાંબી સજા પૈકીની એક છે. 2008ની આર્થિક મંદી બાદ સંજય શાહ દ્વારા અમલી બનાવાયેલી ટ્રેડિંગ સ્કીમો દ્વારા સંખ્યાબંધ યુરોપિયન દેશોની સરકારી તિજોરીઓમાંથી બિલિયનો ડોલરની ઉચાપત કરાઇ હતી.
સિટી કોર્ટે જણાવ્યું હતું કે, 54 વર્ષીય સંજય શાહે ટ્રેડિંગ સ્કીમ દ્વારા 2012થી 2015 વચ્ચે ડેન્માર્કની ટ્રેઝરી પાસેથી ડિવિડન્ડ ટેક્સ રિફંડ સ્વરૂપે 9 બિલિયન ડેનિશ ક્રાઉન (1.27 બિલિયન અમેરિકન ડોલર)ની છેતરપિંડી આચરી હતી.
કોર્ટમાં હાજર રહેલા સંજય શાહે દલીલ કરી હતી કે મેં કોઇ ગેરરિતી આચરી નથી. મેં ફક્ત કાયદામાં રહેલા છીંડાનો ઉપયોગ કર્યો હતો. શાહે આ ચુકાદા સામે ડેન્માર્કની હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. સરકારી વકીલોએ સંજય શાહને 12 વર્ષની મહત્તમ જેલની સજા ફટકારવાની માગ કરી હતી.
સંજય શાહ સામે ડેનિશ ટેક્સ ઓથોરિટી દ્વારા લંડનની કોર્ટમાં 1.44 બિલિયન પાઉન્ડના સિવિલ ટેક્સ ફ્રોડનો પણ કેસ દાખલ કરાયો છે. તેની સુનાવણી એપ્રિલ 2025માં પૂરી થવાની સંભાવના છે. સંજય શાહે ડેન્માર્કથી વીડિયો લિન્ક દ્વારા લંડન હાઇકોર્ટને જણાવ્યું હતું કે, કાયદામાં રહેલી ખામીએ તેમની ટ્રેડિંગ વ્યૂહરચનાને પરવાનગી આપી હતી અને તે અત્યંત સફળ રહી હતી.


