ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ડેમિયન ગ્રીનની હકાલપટ્ટી

કોમ્પ્યુટરમાં પોર્નોગ્રાફિક સામગ્રી મુદ્દે ગૃહને દેરમાર્ગે દોર્યાનો સ્વીકારઃ બે મહિનામાં ત્રણ કેબિનેટ મિનિસ્ટર્સની વિદાય

Thursday 21st December 2017 04:14 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ આખરે તેમના ડેપ્યુટી ડેમિયન ગ્રીનની હકાલપટ્ટી કરવાની ફરજ પડી છે. ફર્સ્ટ મિનિસ્ટર ડેમિયન ગ્રીને બુધવારે રાત્રે તેમના હોદ્દા પરથી રાજીનામું મોકલી આપ્યું હતું, જેને વડા પ્રધાને સ્વીકારી લીધું હતું. ગ્રીનની વિદાય સાથે બે મહિનામાં જ થેરેસા પ્રધાનમંડળમાંથી માઈકલ ફેલોન અને પ્રીતિ પટેલ સાથે ત્રીજા વરિષ્ઠ પ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગ્રીન સામે ૨૦૦૮માં તેમના પાર્લામેન્ટરી કોમ્પ્યુટરમાં પોર્નોગ્રાફીક સામગ્રી મળ્યાનો આક્ષેપ પૂર્વ પોલીસ ઓફિસર બોબ ક્વિક દ્વારા કરાયો હતો. ગ્રીને રાજીનામાપત્રમાં આવી સામગ્રી નિહાળ્યાનું નકાર્યું છે પરંતુ, આવી સામગ્રી નહિ હોવાના ઈનકારથી ગૃહને ગેરમાર્ગે દોર્યું હોવાની કબૂલાત કરી હતી. ગ્રીન રાજકારણ અને વેસ્ટમિન્સ્ટરમાં થેરેસા મેના સૌથી જૂના સાથી હતા. ગ્રીન કેબિનેટમાં અગ્રણી રીમેઈનર હતા અને તેમની વિદાયથી બ્રેક્ઝિટીઅર્સનું જોર વધી જશે.

ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગ્રીન વિરુદ્ધ અનૈતિકતાની ઈન્ક્વાયરીમાં જણાયું હતું કે તેમના સંસદીય કોમ્પ્યુટર પર મળી આવેલી પોર્નોગ્રાફિક સામગ્રી વિશે સત્ય કહેવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. કેબિનેટ ઓફિસ તપાસમાં જણાવાયું હતું કે ડેમિયન ગ્રીને ૨૦૦૮માં તેમની કોમન્સ ઓફિસમાં પોલીસ દરોડામાં જે સામગ્રી મળી આવી તેના વિશે તેઓ કશું જાણતા હોવાનો ઈનકાર કરી ગેરમાર્ગે દોરતા બે નિવેદનો કર્યા હતા. વડા પ્રધાન થેરેસા મેના પ્રધાનવિષયક સલાહકાર સર એલેક્સ એલને જણાવ્યું હતું કે નિખાલસતાના અભાવથી પ્રધાનોની આચારસંહિતાનો ભંગ થયો છે. આ પછી વડા પ્રધાન પાસે તેમના ૩૦ વર્ષ જૂના મિત્ર અને ડેપ્યુટી ગ્રીન પાસે રાજીનામું માગી લેવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો ન હતો. ઉચ્ચ હોદ્દા પરથી તેમનું પતન પૂર્વ મેટ્રોપોલીટન ચીફ બોબ ક્વિક સાથે દાયકા લાંબી દુશ્મનાવટનું પરિણામ છે. એમ કહેવાય છે કે ગ્રીનની ઓફિસ પર દરોડા પછી ક્વિકની કારકીર્દિને ભારે ધક્કો વાગ્યો હતો, જે બદલ તેણે ગ્રીનને માફ કર્યા ન હતા. ક્વિકે જણાવ્યું હતું કે ૨૦૦૮ના દરોડામાં ગ્રીનના કોમ્પ્યુટરમાંથી પોર્નોગ્રાફિક સામગ્રી મળી આવી હતી.

યુનિવર્સિટીના સમયથી મિત્ર રહેલા ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ગ્રીનની વિદાયથી વડા પ્રધાનને મોટો ફટકો પડ્યો છે. ગ્રીન કોઈ મિનિસ્ટ્રી ધરાવતા ન હોવા છતાં સંખ્યાબંધ કેબિનેટ સમિતિના વડા હતા અને બ્રેક્ઝિટ અંગે થેરેસાના આંતરિક વોર કેબિનેટના સભ્ય હતા. હોમ સેક્રેટરી અમ્બર રડને તેમનું સ્થાન અપાય તેવી શક્યતા છે પરંતુ, સરકારી વર્તુળોએ જણાવ્યું હતું કે નવા વર્ષ સુધી કેબિનેટની પુનઃરચના નહિ થાય.

ડેમિયન ગ્રીને ૨૦૧૫માં લંડનની એક પબમાં તેની સાથે અસભ્ય અને અનિચ્છનીય વ્યવહાર કર્યો હોવાના ટોરી એક્ટિવિસ્ટ કેટ માલ્ટબી દ્વારા વિવાદિત દાવાઓ પછી ગ્રીનના વર્તન સામે પહેલી નવેમ્બરે તપાસનો આરંભ કરાયો હતો. ઈન્ક્વાયરીમાં જણાવાયું હતું કે માલ્ટબીના દાવાઓ ‘સંભવિત’ જણાય છે પરંતુ, ગ્રીનના વર્તન અંગે કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચવું શક્ય નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter