લંડનઃ સરકાર દ્વારા જારી કરાયેલા ડેબ્ટ રિલીફ ઓર્ડર અંતર્ગત સૌથી ઓછી આવક ધરાવતા ગરીબો હવે દેવા માફી માટે કોઇપણ પ્રકારની ફીની ચૂકવણી કર્યા વિના જ અરજી કરી શકશે. આ નિયમ એપ્રિલથી અમલમાં આવી રહ્યો છે. ડેબ્ટ રિલીફ ઓર્ડર અંતર્ગત વ્યક્તિને કાઉન્સિલ ટેક્સથી માંડીને એનર્જી બિલ અને મકાન ભાડું માફ કરવામાં આવે છે. હાલમાં ડેબ્ટ રિલીફ ઓર્ડર હાંસલ કરવાની અરજી માટે 90 પાઉન્ડ વસૂલવામાં આવે છે પરંતુ ચેરિટીઓના જણાવ્યા અનુસાર ઘણા ગરીબોને 90 પાઉન્ડની આ ફી પણ પોસાતી નથી. હવે 6 એપ્રિલથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ ફી નાબૂદ કરી દેવાઇ છે.
શું છે ડેબ્ટ રિલીફ ઓર્ડર
- આ એક પ્રકારની નાદારી છે જેમાં વ્યક્તિ પર 30,000 પાઉન્ડ કરતાં વધુનું દેવું હોવું જોઇએ નહીં પરંતુ 28 જૂન 2024થી આ મર્યાદા 50,000 પાઉન્ડ કરાશે
- અરજકર્તાએ ડેબ્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરવાનું રહે છે અને જરૂરી બિલોની ચૂકવણી થઇ જાય ત્યારબાદ તેની પાસે દર મહિને 75 પાઉન્ડથી વધુ બચત રહેવી જોઇએ નહીં
- ડીઆરઓ અંતર્ગત અરજી કરનાર 2000 પાઉન્ડ સુધીની કારની માલિકી ધરાવી શકે છે, 28 જૂનથી આ મર્યાદા 4000 પાઉન્ડ કરાઇ છે
- જો આ યોજના અંતર્ગત અરજી સ્વીકારવામાં આવે તો દેવાને એક વર્ષ સુધી સ્થગિત કરાય છે અને ત્યારબાદ તેમાં માફી અપાય છે