લંડનઃ સાથી સાંસદોની અપીલના કારણે ડેમ પ્રીતિ પટેલ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે દાવો કરે તેવી સંભાવના છે. પૂર્વ હોમ સેક્રેટરીએ રિશી સુનાકના અનુગામી બનવાનો પ્રયાસ કરવાનો નિર્ણય લીધો છે અને તે માટે તેમણે હાઇ પ્રોફાઇલ ટોરી ડોનરો સમર્થિત કેમ્પેન ટીમ પણ તૈયાર કરી લીધી છે. આ સપ્તાહના અંતમાં પ્રીતિ પટેલ આ અંગેની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. 52 વર્ષીય ડેમ પ્રીતિ પટેલ પહેલીવાર પાર્ટીની નેતાગીરીના જંગમાં ઝંપલાવી રહ્યાં છે જ્યારે તેમના સાથી અને રાઇટ વિંગ સાંસદ ગણાતા સુએલા બ્રેવરમેન નેતાગીરી માટેનું સમર્થન ગુમાવી રહ્યાં છે.
ડેમ પ્રીતિ પટેલના સમર્થકો માને છે કે પટેલ એકલા એવા નેતા છે જે પાર્ટીને એકજૂથ રાખી શકે છે. એક પૂર્વ મિનિસ્ટરે જણાવ્યું હતું કે, પ્રીતિ પટેલને કન્ઝર્વેટિવ સાંસદોનો વ્યાપક ટેકો મળી રહ્યો છે.
આમ તો બુકીઓમાં કેમી બેડનોક સુનાકના અનુગામી તરીકે હોટ ફેવરિટ મનાય છે પરંતુ શેડો કેબિનેટની બેઠકમાં બેડનોકે જે રીતે સુનાક અને સુએલા બ્રેવરમેન વિરુદ્ધ ટિપ્પણીઓ કરી તેના કારણે કેટલાક સાંસદો તેમનાથી દૂર થવા લાગ્યા છે.
ડેમ પ્રીતિ પટેલ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ઘણા નિકટ હતા અને તેમણે થેરેસા મે સરકારમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવી હતી. પાર્ટીના નેતૃત્વ માટેના અભિયાન માટે પટેલે ટ્રેઝરરની પસંદગી કરી લીધી છે. તેઓ હાઉસ ઓફ લોર્ડ્સના ઘણા સન્માનિત સભ્ય મનાય છે. તે ઉપરાંત પટેલે પૂર્વ સલાહકારોને પણ તેમની ટીમમાં સામેલ કર્યાં છે.
સુએલા બ્રેવરમેન કન્ઝર્વેટિવ સાથે છેડો ફાડી રિફોર્મ યુકેમાં જોડાય તેવી સંભાવના
ભારતીય મૂળના કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન પાર્ટી છોડીને આગામી મહિનાઓમાં નાઇજલ ફરાજની રિફોર્મ યુકે પાર્ટીમાં જોડાઇ જાય તેવી સંભાવના બંને પાર્ટીના સૂત્રોએ વ્યક્ત કરી છે. જમણેરી વિચારધારા ધરાવતા સુએલા બ્રેવરમેનને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટે પુરતું સમર્થન હાંસલ થઇ રહ્યું નથી. રિફોર્મ યુકેના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિયાળાના પ્રારંભે બ્રેવરમેન ટોરીઝ સાથે છેડો ફાડીને અમારી સાથે જોડાઇ શકે છે.


