લંડનઃ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના 491 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલા નેતૃત્વ કરશે. ડાઉનિંગ સ્ટ્રીટે કરેલી જાહેરાત અનુસાર લંડનના બિશપ 63 વર્ષીય ડેમ સારા મુલ્લાલી પૂર્વ આર્ચબિશપ જસ્ટિન વેલ્બીના અનુગામી બનશે. ડેમ સારા મુલ્લાલીએ 16 વર્ષની વયે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હતો. ચાઇલ્ડ સેક્સ એબ્યુઝ સ્કેન્ડલની તપાસ હાથ ધરવાના મુદ્દે જસ્ટિન વેલ્બીને જાન્યુઆરી 2025માં રાજીનામુ આપવાની ફરજ પડી હતી.
ડેમ સારા મુલ્લાલી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના 106ઠ્ઠા આર્ચબિશપ ઓફ કેન્ટરબરી બનશે. તેમના કાર્યકાળનો પ્રારંભ જાન્યુઆરી 2026માં સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે નિયુક્તિ માટેના કન્ફર્મેશનથી શરૂ થશે. તેમના પદગ્રહણની ચર્ચ સર્વિસ માર્ચ 2026માં કેન્ટરબરી કેથેડ્રલ ખાતે યોજાશે.
ડેમ સારા મુલ્લાલી વર્ષ 2018માં લંડનના બિશપપદે નિયુક્ત થયા હતા. આ હોદ્દો પ્રાપ્ત કરનારા પણ તેઓ પ્રથમ મહિલા હતા. તે પહેલાં તેઓ ઇંગ્લેન્ડના ચીફ નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનારા સૌથી યુવા અધિકારી હતા.


