ડેવિડ કેમરનઃ બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટીના પરમ મિત્ર

લોર્ડ ડોલર પોપટ Wednesday 14th September 2016 07:22 EDT
 
 

લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને સોમવારે વિટનીના સાંસદ તરીકે રાજીનામું આપી દેતા આધુનિક યુગની શ્રેષ્ઠ રાજકીય કારકિર્દીઓમાંની એક કારકિર્દીનો અંત આવ્યો છે. જૂન ૨૦૦૧માં સૌપ્રથમ ચૂંટાયા પછી ડેવિડ કેમરને વિપક્ષના નેતા તરીકે કન્ઝર્વેટિવ પાર્ટીમાં સુધારાના પ્રાણ ફૂંક્યા હતા, બ્રિટનમાં શાંતિકાળની પ્રથમ ગઠબંધન સરકારના વડા પ્રધાનપદે તેમણે નાણાકીય કટોકટીની અસરો નિહાળી હતી અને તમામ અવરોધો પાર કરી ૨૦૧૫ની સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ બહુમતી સરકારી બનાવી હતી. તેમણે સ્કોટલેન્ડમાં આઝાદીની ચળવળ, યુરોપિયન સંઘ છોડવા ઈચ્છતા જમણેરી યુરોસંશયવાદીઓ, લિબરલ ડેમોક્રેટ્સ અને તેમના બંધારણીય જનમતો સહિત દરેક મોરચાનો સામનો કર્યો હતો.

અંગત રીતે ડેવિડ વર્ષોથી મારા મિત્ર હતા, જેમણે પોતાને પાર્ટી અને દેશના પણ શ્રેષ્ઠ નેતા પુરવાર કર્યા હતા. હાઉસ ઓફ કોમન્સમાંથી તેમની વિદાયની ખોટ મને અને વિટનેની પ્રજાને સાલશે. આ સાથે તેઓ બ્રિટિશ ભારતીય સમુદાયના પણ પરમ મિત્ર બની રહ્યા હતા. તેમના નેતાપદ દરમિયાન, કન્ઝર્વેટિવ પાર્ટી માટે બ્રિટિશ ભારતીય સમુદાયનો સપોર્ટ વધીને ગત ચૂંટણીમાં ૫૦ ટકાથી વધુ થયો હતો, જે ૨૦૦૫માં માત્ર ૧૦ ટકાની આસપાસ હતો.

ડેવિડ કેમરન ૨૦૦૫માં વિપક્ષના નેતા બન્યા ત્યારે તેમને સમજાઈ ગયું હતું કે કન્ઝર્વેટિવ્ઝે તેમના મુખ્ય જનાધારથી પણ આગળ વધવું પડશે. તેઓ ૨૧મી સદીના બ્રિટનનું પ્રતિબિંબ પાડતી પાર્ટીનું નિર્માણ કરવા ઈચ્છતા હતા અને બ્રિટિશ ભારતીયો તેનો મહત્ત્વનો હિસ્સો હતા.

વિપક્ષના નેતા અને વડા પ્રધાન તરીકે તેમણે મંદિરો અને કોમ્યુનિટી સેન્ટર્સની નિયમિત મુલાકાતો લીધી હતી. તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં વૈશાખી અને દીવાળીના વાર્ષિક ઉત્સવોને સ્થાન આપ્યું. તેમણે ૨૦૧૦માં વેમ્બલી એરીનામાં મોરારીબાપુની રામકથામાં ૧૦,૦૦૦ લોકોની સમક્ષ હાજરી આપી હતી. પાર્ટી બ્રિટિશ ભારતીયો સાતે બરાબર સંપર્ક જાળવતી ન હોવાનું લાગતા તેમણે ૨૦૧૨માં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવા જણાવ્યું અને તેના સ્થાપક ચેરમેન થવાનું બહુમાન મને અપાયું હતું.

તેમણે ભારત સાથે વિશેષ સંબંધોના નિર્માણ પર ભાર મૂકી બ્રિટિશ ઈન્ડિયન ડાયસ્પોરાને તેમાં મોટી ભૂમિકા ભજવવા જણાવ્યું હતું. તેના રાજદ્વારી પ્રયાસોના ફળ આપણને ગયા વર્ષે ત્યારે જોવા મળ્યા જ્યારે નરેન્દ્ર મોદીને પરિચય આપતા કેમરનને સાંભળવા વેમ્બલી સ્ટેડિયમમાં લોકો ખીચોખીચ ભરાયા હતા. વેસ્ટમિન્સ્ટર સ્કવેરમાં ગાંધીજીની પ્રતિમા કેમરનના રાજદ્વારી નિર્ણયોની સાક્ષી પુરાવે છે. આજે કન્ઝર્વેટિવ પાર્ટીમાં બ્રિટિશ ભારતીયો સહિત અશ્વેત અને વંશીય લઘુમતી (BME)ના સંખ્યાબંધ રાજકારણીઓએ સ્થાન મેળવ્યું છે.

કન્ઝર્વેટિવ પાર્ટી અને ગ્રેટ બ્રિટનના કલ્યાણ માટે ડેવિડ કેમરન મોટુ પરિબળ બની રહ્યા છે. તેમણે આપણા રાજકારણને નવો આકાર આપ્યો છે અને આપણા મહાન નેતાઓમાં એક તરીકે ઈતિહાસમાં સ્થાન મેળવશે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટી તેમણે આપણા માટે જે કર્યું તેના માટે કેમરનને યાદ રાખશે અને તેમની મહાન પ્રતિભાનો ઉપયોગ થાય તેવી ભૂમિકા કેમરનને મળશે તેવી હું આશા રાખું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter