લંડનઃ રાજકારણ અને સમકાલીન બ્રિટિશ ઈતિહાસના રાજકીય નિષ્ણાતોએ પૂર્વ કન્ઝર્વેટિવ વડાપ્રધાન ડેવિડ કેમરનને લેબર પાર્ટીના ગોર્ડન બ્રાઉન કરતાં પણ નિષ્ફળ વડાપ્રધાન ગણાવ્યા છે. ૧૯૪૫થી અત્યાર સુધી સત્તા પર રહેલા ૧૩ વડાપ્રધાનોની યાદીમાં પૂર્વ વડા પ્રધાન કેમરન છેલ્લેથી ત્રીજા ક્રમે છે. વડાપ્રધાન પદે બીજી ટર્મના રેંકિંગ પ્રમાણે તેમને સૌથી નિષ્ફળ વડાપ્રધાન દર્શાવાયા છે.
લેબર પાર્ટીના વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન કરતાં પણ તેમની કામગીરી ખરાબ હતી. કેમરન પછીના ક્રમે સુએઝ કટોકટીના મામલે શાખ ગુમાવનારા સર એન્થની એડન અને માત્ર એક વર્ષ સત્તા પર રહેલા સર એલેક ડગ્લાસ-હોમ છે. અગાઉ આવો સર્વે ૨૦૦૪ અને ૨૦૧૦માં યોજાયો હતો.
લગભગ ૧૦માંથી ૯ લોકોએ જણાવ્યું હતું કે જૂન મહિનામાં યોજાયેલું ઈયુ રેફરન્ડમ કેમરનની સૌથી મોટી નિષ્ફળતા હતી. એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે લોર્ડ નોર્થે અમેરિકા ગુમાવ્યું તે પછી કોઈપણ વડાપ્રધાનની આ સૌથી કારમી હાર હતી.
સર્વેમાં ૮.૫ પોઈન્ટ સાથે લેબરના ક્લેમેન્ટ એટલી ફરી સૌથી સફળ વડાપ્રધાન રહ્યા હતા, જ્યારે માર્ગારેટ થેચર અને ટોની બ્લેર અનુક્રમે ૭.૨ પોઈન્ટ અને ૬.૭ પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા ક્રમે રહ્યાં હતાં. સર વિન્સ્ટન ચર્ચિલને ૫.૪ પોઈન્ટ અપાયા હતા કારણ કે આ વિશ્લેષણ યુદ્ધ સમયે તેમણે સંભાળેલા નેતૃત્વ પર નહીં પરંતુ, તેમની ૧૯૫૦ની સરકાર પર આધારિત છે. બ્રાઉનને ૪.૬, સર એલેક ડગ્લાસ-હોમને ૩.૮ અને સર એન્થનીને ૨.૪ પોઈન્ટ અપાયા છે.
કેમરનને ૪ પોઈન્ટ જ મળ્યા હતા. પરંતુ, વર્ષોના ગઠબંધન માટે ૫.૬ તથા ૨૦૧૫ની ચૂંટણીમાં વિજય મેળ્વ્યા બાદ સત્તા માટે માત્ર ૨.૧ પોઈન્ટ મળ્યા હતા.
આ સંશોધન કરનારા લીડ્સ યુનિવર્સિટીના પ્ર્રો.કેવિન થેક્સટને જણાવ્યું હતું કે ગઠબંધનના એક સફળ વડાપ્રધાન તરીકે ડેવિડ કેમરને મેળવેલી ખ્યાતિ અને હાંસલ કરેલી તમામ સિદ્ધિઓ અને ઈતિહાસમાં તેમનું સ્થાન બ્રેક્ઝિટ અને તેમણે યોજેલા રેફરન્ડમ અને તેમાં મળેલા પરાજયને લીધે રહેશે.


