લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન નવા લોબિઈંગ વિવાદમાં ફસાયા છે. કેમરને પૂર્વ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકનો સંપર્ક કર્યા પછી તેમની એમ્પ્લોયર કંપની ઈલ્યુમિનાએ જેનોમિક્સ ઈંગ્લેન્ડ સાથે ૧૨૩ મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો હતો. કેમરન યુએસની બાયોટેક કંપની ઈલ્યુમિનાના પગારદારી સલાહકાર છે.
યુએસની બાયોટેક કંપની ઈલ્યુમિના જીન-સિક્વન્સિંગ સર્વિસીસ પૂરી પાડે છે જેનો ઉપયોગ જિનેટિક રોગો માટે DNAની ચકાસણીમાં કરાય છે. ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર કેમરને એપ્રિલ ૨૦૧૯માં તત્કાલીન હેલ્થ સેક્રેટરી હેનકોકને સપ્ટેમ્બરમાં હેમ્પશાયરની ફોર સીઝન્સ હોટેલમાં યોજાનારી જેનોમિક્સ કોન્ફરન્સમાં આમંત્રણ અને તેમાં જાતે હાજરી આપવા વિશે પત્ર લખ્યો હતો. મેટ હેનકોક પોતાના પૂર્વ બોસનો પત્ર મળ્યા પછી કોન્ફરન્સમાં જવા સંમત થયા હતા.
કોન્ફરન્સના એક જ સપ્તાહ પછી ઈલ્યુમિનાને કોઈ પણ કોમ્પિટિશન વિના જ જીનેટિક સિક્વન્સિંગ માટે હેલ્થ એન્ડ સોશિયલ કેર વિભાગ હેઠળની કંપની જેનોમિક્સ ઈંગ્લેન્ડ સાથે મલ્ટિ- મિલિયન પાઉન્ડનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. બીજી તરફ, વેક્સિન્સ મિનિસ્ટર નધિમ ઝાહવાઈ પણ કેમરનને માર્ચ મહિનામાં જીનેટિક સિક્વન્સિંગની ચર્ચા માટે મળ્યા હતા. આ પછી ઈલ્યુમિનાને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ સાથે ૮૭૦,૦૦૦ પાઉન્ડના મૂલ્યના વધુ સરકારી કોન્ટ્રાક્ટ્સ મળ્યા હતા. જોકે, સરકારે ઝાહવાઈ -કેમરન બેઠકમાં કોન્ટ્રાક્ટની ચર્ચા થઈ હોવાનું નકાર્યુ હતું.
પૂર્વ ટોરી વડા પ્રધાન કેમરને ઈલ્યુમિનાને કોન્ટ્રાક્ટ અપાવવા કોઈ લોબિઈંગ કર્યાનું નકારી જણાવ્યું હતું કે તેમની ભૂમિકા જીનેટિક સિક્વન્સિંગને ઉત્તેજન આપવાની રહી છે. તેમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈલ્યુમિના માટે ડેવિડ કેમરનની કામગીરીમાં કોમર્શિયલ કોન્ટ્રાક્ટ વિશે કોઈ ચર્ચામાં સંકળાવાનો સમાવેશ થયો નથી. તમની આ ભૂમિકાને વોચડોગ ACOBA દ્વારા ક્લીઅર કરાઈ હતી. સરકારે જણાવ્યું છે કે આ સોદો ૨૦૧૪ના અગાઉના કરારનો ફોલોઓન કોન્ટ્રાક્ટ હતો. ઈલ્યુમિના પાસે કામગીરી પૂર્ણ કરવાની ટેક્નિકલ ક્ષમતા હોવાના માર્કેટ રિવ્યૂ પછી તેને કોન્ટ્રાક્ટ અપાયો હતો.
પૂર્વ ટોરી વડા પ્રધાન ગ્રીનસિલ કેપિટલ લોબિઈંગ વિવાદમાં સપડાયા ત્યારે પણ ભારે વિવાદ થયો હતો. કેમરને ચાન્સેલર સુનાક સહિતના મિનિસ્ટર્સને ગ્રીનસિલ માટે કોવિડ સપોર્ટ લોન્સની માગણી સાથેના ટેકસ્ટ મેસેજીસ, ઈમેઈલ્સ અને ફોન કોલ્સ કર્યા હતા. ગ્રીનસિલને સલાહ આપવાની ભૂમિકા બદલ તેમને ૭ મિલિયન પાઉન્ડ મળ્યા હોવાનું પણ કહેવાય છે. તેમની પાસે ગ્રીનસિલના શેર પણ છે.


