લંડનઃ અત્યાર સુધીના કોઈ પણ વડા પ્રધાનની સરખામણીએ ડેવિડ કેમરન ઉમરાવપદની લહાણી કરવામાં આગળ નીકળી ગયા છે. તેઓ ટુંક જ સમયમાં ૫૦ જેટલા નવા લોર્ડ્સની જાહેરાત કરવા થનગની રહ્યા છે, જેમાંથી ૪૦ લોર્ડ ટોરી પાર્ટીના હોવાની શક્યતા છે. સંશોધકોએ જણાવ્યા અનુસાર ૨૦૧૦માં શાસનધુરા સંભાળ્યા પછી કેમરન દર વર્ષે ૪૦ની સરેરાશથી ઉમરાવોની નિયુક્તિ કરી રહ્યા છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં ટોરીઝની બહુમતી નથી. ગૃહમાં ૨૨૬ સભ્ય ટોરી પાર્ટીના, ૨૧૨ સભ્ય લેબર પાર્ટીના, ૧૦૧ સભ્ય લિબ ડેમ પાર્ટીના અને ૧૭૯ સભ્ય ક્રોસબેન્ચર છે.
યુનિવર્સિટી કોલેજ લંડનની બંધારણ શાખાના સંશોધકોએ જણાવ્યું છે કે અગાઉનો વિક્રમ લેબર પાર્ટીના વડા પ્રધાન હેરોલ્ડ વિલ્સનનો હતો, જેમણે વાર્ષિક ૩૮ની સરેરાશથી નિયુક્તિ કરી હતી અને તેમના પછીના ક્રમે લેબર વડા પ્રધાન ટોની બ્લેરે વાર્ષિક ૩૭ નિયુક્તિ કરી હતી. આ સમયે કન્ઝર્વેટિવ પાર્ટીએ તેમની જોરદાર ટીકાઓ કરી હતી. સૌથી ઓછાં ઉમરાવપદ આપવામાં ગોર્ડન બ્રાઉન (લેબર) અને એડવર્ડ હીથ (ટોરી) વાર્ષિક ૧૨ના ધોરણે સહિયારો વિક્રમ ધરાવે છે.
સંશોધન એમ પણ જણાવે છે કે ૧૯૫૮માં પછી શાસક પક્ષોમાંથી સૌથી વધુ લોકોને હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલવાનો વિક્રમ પણ કેમરનનો જ રહેશે. ૨૦૧૦માં લિબરલ ડેમોક્રેટ્સ સાથે ગઠબંધન પછી ૬૨ ટકા લોર્ડ્સ આ બન્ને પક્ષોમાંથી મોકલાયા હતા.અગાઉને વિક્રમ લેબર વડા પ્રધાન જેમ્સ કાલાહનનો હતો, જેમના ૫૦ ટકા ઉમરાવ લેબર પાર્ટીના હતા. આની સામે ગોર્ડન બ્રાઉને લેબર પાર્ટીના ૩૨ ટકા અને એડવર્ડ હીથે માત્ર ૧૮ ટકા ટોરીને હાઉસ ઓફ લોર્ડ્સમાં મોકલ્યા હતા.