ડેવિડ કેમરને બ્રિટિશ વિરોધી મુસ્લિમો પર લક્ષ્ય સાધ્યુઃ ઉગ્રવાદનો સામનો કરવા પંચવર્ષીય યોજના

Tuesday 21st July 2015 12:15 EDT
 
 

લંડનઃ વડા પ્રધાન આખરે સીમાચિહ્ન પ્રવચનમાં યુકેમાં ઉગ્રવાદનો સામનો કરવા પાંચ વર્ષની યોજના જાહેર કરી છે. તેમણે બર્મિંગહામ ખાતે નાઇન્સટાઇલ્સ સ્કૂલમાં આપેલા પ્રવચનમાં બ્રિટિશ વિરોધી મુસ્લિમોને લક્ષ્ય બનાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઘણા બ્રિટિશ નાગરિકો બ્રિટનમાં જન્મ અને ઉછેર પામ્યા હોવાં છતાં તેઓ આ દેશ સાથે પોતાને સ્થાપિત કરી શક્યા નથી અને ‘પાયારૂપ ઉદાર મૂ્લ્યોના શત્રુ’ છે. તેઓ સંપ સાધવામાં પણ નિષ્ફળ ગયા છે. વડા પ્રધાને મુખ્યત્વે તત્કાળ બચાવમાં આવતાં અને કોમ્યુનિટીના અન્ય ક્ષેત્રો પર દોષારોપણ કરતાં મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ લોકો દ્વેષપૂર્ણ અને આક્રમક સત્તાના ઉપયોગ માટે યહુદીઓ પર દોષ નાખે છે અથવા યુએસમાં ૯/૧૧ના હુમલાની પ્રેરણા ઈઝરાયેલ ઇન્ટેલીજન્સ એન્જસી દ્વારા અપાઈ હતી. તેમજ મુસ્લિમ વિરોધી પ્રહાર કરવા ઇચ્છુક બ્રિટને ૧૦ વર્ષ અગાઉ ૭/૭ના હુમલાઓ થવા દીધા હતા તેવું પણ દોષારોપણ કરે છે.

કેમરને જણાવ્યું હતું કે ત્રાસવાદી હુમલાઓ માટે સજા પામેલા લોકોની પશ્ચાદભૂ વિગતે તપાસવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે તેમાના ઘણા પોતાને અહિંસક કટ્ટરવાદી ગણાવતા લોકોથી સૌ પહેલાં પ્રેરિત થયા હતા. તેની શરૂઆત તથાકથિત યહુદી ષડયંત્ર વિશે સાંભળવાથી થઈ હોય અને તે પછી પશ્ચિમ અને મૂળભૂત ઉદાર મૂલ્યો સામે શત્રુતામાં અને આખરે મૃત્યુ સાથે સાંકળતા સાંપ્રદાયિક ઝનૂનમાં પરિણમી હોઈ શકે છે.

કેમરને વલણ સ્પષ્ટ કરતાં ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ ચોક્કસ જૂથ કે ધર્મને લક્ષ્ય બનાવતાં નથી કે તેના પર હુમલો કરતાં નથી. તેમનો હેતુ ઉગ્રવાદનો સામનો કરવાનો જ છે. તેમણે કહ્યું હતું કે ‘આપણે આ મુદ્દા ચર્ચતાં હોઈએ ત્યારે ચોક્કસ પશ્ચાદભૂ સાથેના લોકોને રાક્ષસી ગણવા ન જોઈએ. સમુદાયોના દરેક લોકો આપણા દેશને પોતાનું ઘર બનાવી બ્રિટનને વધુ સારું સ્થળ બનાવવા આવેલા છે. મારી ટીપ્પણીનું મુખ્ય ધ્યાન ઇસ્લામિક ઉગ્રવાદનો સામનો કરવા માટે છે, ઇસ્લામ ધર્મ વિરુદ્ધ નહીં. આ બાબતે હું સ્પષ્ટ છું.’ કોઈ કટ્ટરવાદી જૂથો સાથે જોડાતું હોય અને ઉદ્દામવાદ આચરે ત્યારે તેની પાછળના કારણો જોવા પણ મહત્ત્વનું છે. આવા જૂથોના ઉદ્દેશોનું આકર્ષણ કેવી રીતે ઘટાડવું અને લોકો ખાસ કરીને આ કટ્ટરવાદી જૂથોની જંગલિયાત વિશે જાણે તે વધુ મહત્ત્વનું છે.

કેમરને કહ્યું હતું ‘બ્રિટનમાં કોઈપણ યુવાન વ્યક્તિ માટે મારો આ સંદેશ છે કે તમે કોઈ ચળવળના કિંમતી સભ્ય નથી તમે માત્ર તોપનો દારૂગોળો છો. તેઓ તમારો ઉપયોગ કરશે. જો તમે બાળક હશો તો તમારું મગજ ફેરવી નાખશે, તમારા શરીર પર બોમ્બ બાંધશે અને તમને ઉડાવી દેશે. જો તમે છોકરી હશો તો તમને ગુલામ બનાવશે અને શોષણ કરશે. આ જ ISILની જંગલી અને ક્રૂર વાસ્તવિકતા છે.’ તેમણે કહ્યું હતું કે યુકે સાથે એકીકૃત થવાની તેમની નિષ્ફળતા અને જોડાવાની ભાવનાનો અભાવ તેમને ઇસ્લામિક સ્ટેટ જેવા જૂથોમાં સામેલ થવા આકર્ષે છે. કેમરને કહ્યું હતું કે માત્ર મુસ્લિમ કોમ્યુનિટીના પ્રભુત્વ હેઠળની શાળાઓ અને હાઉસિંગ એસ્ટેટોએ બ્રિટનમાં વિભાજનનો અંત લાવવા માટે વંશીય સંમિશ્રણ તરફ આગળ વધવું જ રહ્યું.

કેટલાક વડા પ્રધાન સાથે સંમત હશે તો ઘણા યે તેમનો વિરોધ પણ કર્યો છે. બ્રેડફર્ડ વેસ્ટના લેબર સાંસદ નાઝ શાહે કહ્યું હતું કે ‘તેમની યોજના યોગ્ય અભિગમવાળી નથી. આપણે સોશ્યિલ હાઉસિંગ બનાવવા આગળ વધીએ પરંતુ ત્યાં પણ આપણે મર્યાદા મુકવી પડે છે અને ૩૦ અથવા ૪૦ ટકા (બ્લેક અને એથેનિટીક માઇનોરીટી) લોકો માટે જ આ કરીએ છીએ. આપણે આવી રીતે જ એકીકરણ કરવાનું રહે?’

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ખાતે ઇકોનોમિક જીયોગ્રાફીના માનદ પ્રોફેસર પોલ ચેશાયરે કહ્યું હતું કે ‘સામાજિક મિશ્રણ પેદા કરવા માટે આ પ્રકારના સોશિયલ એન્જિનિયરિંગથી કોઈનું કલ્યાણ થતું હોવાના કોઈ જ પુરાવા નથી.’

કટ્ટરવાદનો સામનો કરવા સંદર્ભે ડેવિડ કેમરને પેરન્ટસને જો તેમના બાળકો ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાવવાની યોજના હોવાની શંકા જાય તો ઉદ્દામીકરણને નિયંત્રણમાં લાવવા તેમ જ બાળકોનું શોષણ અને વેરવૃત્તિ ધરાવતા આવા કટ્ટરવાદી જૂથોથી આકર્ષિત થતા અટકાવવા બાળકોના પાસપોર્ટ રદ કરવાની સત્તા આપવાની પણ વાત કરી હતી.

જોકે, લોર્ડ ડોલર પોપટ ઘરઆંગણે ઉછરતા ત્રાસવાદીઓના અટકાવ અને બ્રિટનમાં ઉગ્રવાદના સામના માટે કેમરનની રણનીતિઓ સાથે સહમત છે. તેમણે કહ્યું હતું કે ‘ડેવિડ કેમરને યોગ્યપણે પારખ્યું છે કે કટ્ટરવાદી વિચારધારાનો અને ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટીમાં, સામનો કરવો એ આપણી પેઢીનો સંઘર્ષ છે. ઘણા સમયથી રાજકારણીઓ બ્રિટન અને બ્રિટિશ મૂલ્યો માટે આગળ આવતા ગભરાયા છે. વડા પ્રધાનનું પ્રવચન સ્પષ્ટ કરે છે તેમ આપણે સામનો કર્યા વિના ઉગ્રવાદીઓને જ એજન્ડા તૈયાર કરવા દીધો છે. લગભગ વિશ્વમાં સર્વત્ર રહેતી હિન્દુ કોમ્યુનિટી બ્રિટનમાં કોઈ પણ પ્રશ્નો વિના સ્થિર વસવાટ કરે છે. આપણે બ્રિટિશ મૂલ્યો સાથે મિશ્રિત થયા છીએ અને તેનો પાલન કર્યું છે અને જેને આપણે ઘર કહીએ છીએ તેના માટે રચનાત્મક વલણ જ દર્શાવ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મુસ્લિમોની મોટી બહુમતીએ પણ આમ જ કર્યું છે. આ કટ્ટરવાદીઓને કારણે સૌથી વધુ સહન કરવું પડ્યું હોય તેવા નિર્દોષ અને કાયદાનું પાલન કરતા મુસ્લિમોને આપણે એકસાથે ખરડાયેલા જોઈએ છીએ. વડા પ્રધાનના સંબોધનમાં પણ આનો સ્વીકાર કરાયો છે અને આપણા સ્મરણમાં કોઈ રાજકારણી દ્વારા અપાયેલી આ સુગ્રથિત સ્પીચ છે, જેમાં ઉગ્રવાદના કારણોની સાથોસાથ સરકાર તેનો સામનો કરશે તેની પણ રૂપરેખા અપાઈ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter