સમગ્ર ભારતે ગયા સપ્તાહે મિસાઈલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામને શ્રધ્ધાંજલિ આપી હતી.ભારતના કરોડો વિદ્યાર્થીઓ માટે ડો.અબ્દુલ કલામ પ્રેરણામૂર્તિ હતા પણ આણંદની વિદ્યાર્થિની સ્નેહલ ઠક્કરે ડો.કલામના દિલમાં વિશેષ સ્થાન મેળવ્યુ હતુ. ડો.કલામે પોતાના ખ્યાતનામ પુસ્તક 'ઈગ્નાઈટેડ માઈન્ડ' (ignited mind)ને વિદ્યાર્થી સ્નેહલને જ સમર્પિત કર્યુ હતુ. ડો. કલામ ૨૦૦૨,એપ્રિલમાં આણંદની અમુલ ડેરીની મુલાકાતે આવ્યા હતા. તે વખતે તેઓ ભારતના ટોચના વૈજ્ઞાનિક તરીકે નામના મેળવી ચુક્યા હતા પરંતુ રાષ્ટ્રપતિ નહોતા બન્યા. આ જ મુલાકાત દરમ્યાન તેઓ આણંદની આનંદાલય સ્કૂલમાં ગયા હતા. યુવા વિદ્યાર્થી પ્રેમી ડો.કલામે ધો ૧૨ના સ્ટુડન્ટસ સાથે પ્રશ્નોત્તરી શરુ કરી હતી. ડો.કલામની સાથે વાર્તાલાપ કરી રહેલા વિદ્યાર્થીઓમાં આણંદની સ્નેહલ ઠક્કર પણ સામેલ હતી.
ડો.કલામે એક પ્રશ્ન વિદ્યાર્થીઓ વચ્ચે મુક્યો હતો કે ભારતનો સૌથી મોટો દુશ્મન કોણ છે?.દરેકે પોતાની સમજ શક્તિ પ્રમાણે અલગ અલગ જવાબો આપ્યા હતા પરંતુ સ્નેહલનો ઉત્તર ડો.કલામના હૈયા સોંસરવો ઉતરી ગયો હતો. સ્નેહલનુ કહેવુ હતું કે ગરીબી અને નિરક્ષરતા ભારતના સૌથી મોટા દુશ્મન છે. એ વખતે સ્કૂલની મુલાકાત પુરી થઈ હતી પરંતુ સ્નેહલ ડો. કલામને યાદ રહી ગઈ હતી. ૨૦૦૪માં તેઓ રાષ્ટ્રપતિ બન્યા તે વખતે અન્ય ગણતરીના વિદ્યાર્થીઓ સાથે સ્નેહલને પણ ડો.કલામના કહેવા પર વિશેષ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રપતિ ભવનમાં ડો. કલામ તેને મળ્યા હતા, તેની સાથે જમ્યા હતા અને પોતાનુ ઈગ્નાઈટેડ માઈન્ડ પુસ્તક હસ્તાક્ષર સાથે સ્નેહલને ભેટ આપ્યુ હતુ. સૌથી મહત્વની વાત એ હતી કે પુસ્તકની પ્રસ્તાવનામાં પણ તેમણે સ્નેહલનો ઉલ્લેખ કર્યો હતો અને પુસ્તક પણ તેમણે સ્નેહલને જ સમર્પિત કર્યુ હતુ.
સ્નેહલ ઠક્કર ૨૦૦૬માં એમબીએ કરવા માટે બ્રિટન અાવી હતી. .અભ્યાસ પુરો કર્યા બાદ તે પરણીને બ્રિટનમાં જ સ્થાયી થઈ છે. હાલમાં તે હેટફિલ્ડમાં રહે છે અને ત્યાંની સેનટેન્ડર બેંકમાં કસ્ટમર્સ એડવાઇઝર તરીકે ફરજ બજાવે છે. અમારા મેનેજીંગ એડિટર કોકિલા પટેલે એમના અાણંદસ્થિત ભાણી અંજનાબહેનને ફોન કરતાં સ્નેહલબેનનો સંપર્ક મળી શક્યો હતો. સ્નેહલના માતા પિતા આણંદમાં જ રહે છે. તેના પિતા બિમલભાઈ બિઝનેસમેન છે.
ગયા શનિવારે બપોરે હેરોના "સંગત" એડવાઇઝર સેન્ટરમાં ડાયાબિટીશ વિષયક હેલ્થ સેમિનાર યોજાયો હતો એમાં અમે સ્નેહલને ઉપસ્થિત રહેવા નમ્ર અરજ કરી હતી. અમારી વિનંતીને માન અાપી સ્નેહલ ઠક્કર અને એમના પતિ રવિભાઇ સાથે કાર્યક્રમમાં હાજરી અાપી હતી. ડો.કલામના અવસાનથી શોકમાં ગરકાવ થયેલ સ્નેહલબહેને બાળકોના પ્યારા અને ભારતના પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે ખ્યાતનામ મિસાઇલમેન ડો. કલામને અંજલિ અાપી હતી. એમના પ્રેમાળ વ્યક્તિત્વ વિષે રજૂઅાત કરતાં સ્નેહલે જણાવ્યું કે, "અાણંદની અમારી સ્કૂલમાં અાવ્યા ત્યારે શિક્ષકો અને સ્કૂલના અગ્રણીઅોએ સ્પીચ અાપવા ખૂબ તૈયારી કરી હતી. એ વખતે ડો. કલામે અાવીને કહ્યું કે મારે કોઇની સ્પીચ સાંભળવી નથી. મારે તો માત્ર અા બાળકો સાથે સીધી વાતચીત કરવી છે. મારા ઉત્તરથી પ્રભાવિત થયેલા ડો. કલામે પુસ્તક લખી મને અર્પણ કર્યું એથી વિશેષ મારે માટે શું હોઇ શકે.”
સ્નેહલે કહ્યું કે, "ડો.કલામે એમની રાષ્ટ્રપતિ શપથવિધિ વખતે મને ખાસ નિમંત્રણ પાઠવી દિલ્હી બોલાવી હતી. અાનંદાલયના મારા શિક્ષિકા સાથે અમે દિલહી ગયા હતા અને ગુજરાત ભવનમાં ઉતર્યા હતા. રાષ્ટ્રપતિભવનના અશોકા હોલમાં ડો. કલામસાહેબનો શપથવિધિ નજરે નિહાળ્યો હતો ત્યારે લોકસભા અને રાજ્યસભાના નેતાઅોનો જમાવડો જોઇ અમે અાશ્ચયચકિત થઇ ગયા હતા. ડો. કલામ સાહેબે "વેરી ઇઝ માય ફ્રેન્ડ" કહી ઉપસ્થિ સૌ વચ્ચે મારો પરિચય કરાવ્યો હતો એટલું જ નહિ પણ રાષ્ટ્રપતિભવનમાં અમારી સાથે બેસી એક સામાન્ય વ્યક્તિની જેમ લંચ લીધું હતું.”
'ગુજરાત સમાચાર"ના તંત્રીશ્રી સી.બી. પટેલે અાપણા સમાજની યુવાપેઢી કેટલી બુધ્ધિકુશળ પૂરવાર થઇ રહી છે એનું અા ઉદાત્ત ઉદાહરણ સ્નેહલબેન ઠક્કર કહી શકાય એમ જણાવી સ્નેહલબેન અને એમના પતિ શ્રી રવિભાઇનો સહદય અાભાર વ્યક્ત કર્યો હતો. અાગામી સપ્તાહોમાં ડો. કલામને અંજલિ અાપતો અા કાર્યક્રમ યોજાશે એમાં સ્નેહલબેન ઠક્કર ખાસ ઉપસ્થિત રહેશે.