લંડનઃ ભારતના કાલબુર્ગીના મૂળ વતની એવા ડો. નીરજ પાટિલની લેબર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાં નિયુક્તિ કરાઇ છે. નેશનલ એક્ઝિક્યુટિલ કમિટીની જવાબદારી પાર્ટીની વ્યૂહરચનાઓ અને નીતિઓને આકાર આપવાની છે. કાલબુર્ગીમાં મેડિકલનો અભ્યાસ અને ત્યારબાદ યુકેમાં ઇમર્જન્સી મેડિસિનમાં અનુસ્નાતક સ્તરનો અભ્યાસ કરનાર નીરજ પાટિલ 1994માં યુકેમાં એનએચએસમાં જોડાયા હતા.
નીરજ પાટિલ ભારતના રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા શંકર શેટ્ટી પાટિલ અને કાકા સુભાષ પાટિલ કાલબુર્ગી બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. યુકેમાં તેમના વસવાટ દરમિયાન નીરજ પાટિલે લેમ્બેથ કાઉન્સિલમાં કાઉન્સિલર અને મેયર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. લંડનમાં બસવેશ્વરની પ્રતિમાની સ્થાપનામાં તેમણે મહત્વની ભુમિકા ભજવી હતી. 2017માં તેઓ લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે સંસદની ચૂંટણી લડ્યા હતા પરંતુ સફળ થઇ શક્યા નહોતા.
છેલ્લા 20 વર્ષથી લેબર પાર્ટી સાથે સંકળાયેલા પાટિલે જણાવ્યું હતું કે, હું મને મળેલી તકનો ઉપયોગ એનએચએસની સ્થિતિ સુધારવા કરવા ઇચ્છુ છું. લેબર પાર્ટીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીમાં વડાપ્રધાન કેર સ્ટાર્મર સહિત 39 સભ્યો છે.


