લંડનઃ ભારતીય મૂળના ડો. મુમતાઝ પટેલ રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સના 123મા પ્રમખ તરીકે ચૂંટાઇ આવ્યાં છે. યુકેનું પ્રોફેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન વિશ્વભરના 40,000 સભ્યો ધરાવે છે. નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડના લેન્કેશાયરમાં ભારતીય ઇમિગ્રન્ટ વાલીઓના સંતાન એવા ડો. મુમતાઝ પટેલ માન્ચેસ્ટરમાં કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ તરીકે સેવાઓ આપે છે.
ડો. મુમતાઝ પટેલ આ સંગઠનના પ્રથમ ઇન્ડો-એશિયન મુસ્લિમ પ્રમુખ બન્યાં છે. 16મી સદીમાં સ્થાપિત આ સંગઠનમાં અત્યાર સુધી આ પદ પર ફક્ત પાંચ મહિલા પહોંચી શકી છે. મુમતાઝ પટેલે આરસીપીના આધુનિકીકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ચાર વર્ષ માટે ચૂંટાયેલા પટેલે જણાવ્યું હતું કે, પ્રમુખ તરીકે હું આરસીપીને શ્રેષ્ઠ બનાવવા નેતૃત્વ પુરું પાડીશ. અમારું સંગઠન અમારા સભ્યોને તેમની કારકિર્દીના દરેક તબક્કામાં સહાય કરશે અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયાસ કરશે. હું જુસ્સા, પ્રતિબદ્ધતા, વિઝન અને મૂલ્ય આધારિત અભિગમ અપનાવીશ.