ડો. રમેશ પટ્ટણી OBEથી સન્માનિત

Wednesday 08th January 2020 01:13 EST
 
 

યુકેમાં ઈન્ટરફેથ રિલેશન્સ અને હિંદુ કોમ્યુનિટીને સેવા આપવા બદલ ચિન્મય મિશનના વાઈસ પ્રેસિડેન્ટ અને હિંદુ ફોરમ બ્રિટનના વાઈસ પ્રેસિડેન્ટ અને ડી. ફીલ (ઓક્સફર્ડ) ડો. રમેશ પટ્ટણીને ક્વિન્સ ૨૦૨૦ ન્યૂ યર ઓનર્સમાં OBEનું સન્માન પ્રાપ્ત થયું હતું.

ડો. પટ્ટણીએ ઈન્ટરફેથ નેટવર્ક યુકેના ટ્રસ્ટી, હિંદુ ક્રિશ્ચિયન ફોરમના સ્થાપક અને કો-ચેર તેમજ ઈન્ટરફેથ કમિટી ઓફ ધ હિંદુ ફોરમ બ્રિટન (HFB)ના ચેરમેન તરીકે સ્વૈચ્છિક સેવા આપી હતી. અત્યારે તેઓ તેના પ્રેસિડેન્ટ છે. ઘણાં ગવર્નમેન્ટ કન્સલ્ટેશનમાં તેમણે સલાહકાર તરીકે કાર્ય કર્યું હતું. તેઓ હંમેશા યુકે સરકાર અને બ્રિટિશ હિંદુ કોમ્યુનિટી વચ્ચેના સંબંધ સુધારવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. તેમણે ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ સાથે મળીને ઘણું કાર્ય કર્યું છે. તેમણે ભણાવીને, જાહેર પ્રવચનો આપીને હિંદુઓની ચિંતાઓ વિશે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. વ્યક્તિગત સમસ્યાઓમાં પણ તેમણે વ્યવહારિક માર્ગદર્શન આપ્યું છે.

ઈન્ટરફેથ વિશે તેમણે કરેલા કાર્યને લીધે તેમને ચેર ઓફ ઈન્ટરફેથ, હિંદુ ફોરમ બ્રિટન તરીકે ૨૦૧૩માં હર મેજેસ્ટી ધ ક્વિન સાથે પ્રાઈવેટ લંચ ઓન માટે યુકેમાં આ ક્ષેત્રે પ્રદાન આપનારા અન્ય આઠ મહાનુભાવો સાથે આમંત્રણ મળ્યું હતું. ચિન્મય મિશન સાથે તેઓ ૨૮ વર્ષ અગાઉ સંકળાયા હતા.

ડો. પટ્ટણીએ જણાવ્યું હતું કે આ સન્માન મળવાથી તેમને ખૂબ આનંદ થયો છે. આ સન્માન બદલ તેમણે પ્રેરણાદાયક અને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિન્મયાનંદનો આભાર માન્યો હતો. , વધુમાં તેમણે પોતાના માતા-પિતાનો પત્નીનો અને સંતાનોનો આભાર માન્યો હતો. તેમણે ઈન્ટરફેથ રિલેશન્સ અને હિંદુ કોમ્યુનિટી સાથેના કાર્યમાં તેમની સાથે સંકળાયેલા સૌનો પણ આભાર માન્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter