ભારતના પંજાબમાં ૧૯૪૭માં જન્મેલા ડો. રેન્જરનો ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન સાથે ગાઢ સંબંધ છે. ભારતના વિભાજન સામે વિરોધ દર્શાવતા સરઘસમાં વિદ્યાર્થીઓને બચાવવા જતા માર્ચ ૧૯૪૭માં તેમના પિતા શહીદ નાનક સિંહની હત્યા થઈ હતી.
બ્રિટિશ એશિયન સમુદાયમાં સન્માનીય સ્થાન ધરાવતા ડો. રેન્જર પ્રથમ ભારતીય બિઝનેસમેન છે જેમની ઓફિસ અને ફેક્ટરી પ્રીમાઈસીસની મુલાકાત વડા પ્રધાન ડેવિડ કેમરને લીધી હતી. ડો રેન્જરે કહ્યું હતું કે,‘અહિંસાના બળ થકી માનવજાતના પાંચમા હિસ્સાને આઝાદી અપાવી વિશ્વને વધુ સારું બનાવનાર ગાંધીજીની દુનિયા ભારે ઋણી છે.’
ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન અને તત્કાલીન ફોરેન સેક્રેટરી વિલિયમ હેગે ભારતની મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપના કરવા જાહેરાત કરી હતી. પ્રતિમાનું અનાવરણ ૩૦ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ કરાય તે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાત લે તેવા પ્રયાસ થઈ રહ્યા છે.
લોર્ડ મેઘનાદ દેસાઈએ જણાવ્યા અનુસાર સમગ્ર વિશ્વમાંથી દાનનો પ્રવાહ વહી રહ્યો છે, ત્યારે આ દાનના સમાચાર ઘણા સારા છે. સંખ્યાબંધ અને થોડાં મોટા દાન આશરે ૭૫૦,૦૦૦ પાઉન્ડની રકમ એકત્ર કરવાના આખરી લક્ષ્ય તરફ લઈ જશે. શિલ્પસર્જક ફિલિપ જેક્સન દ્વારા રચાનારી કાંસ્ય ગાંધીપ્રતિમાનો વિષય ૧૯૩૧માં તેમની લંડન મુલાકાત પર આધારિત છે.