ડો. વૈશ કુમારને કરેલા અન્યાય માટે એનએચએસ ઇંગ્લેન્ડે લેખિતમાં માફી માગી

અન્યાયી રીતે તાલીમનો સમય લંબાવતા ડો. કુમારે આત્મહત્યા કરી લીધી હતી

Tuesday 20th February 2024 12:27 EST
 
 

લંડનઃ એનએચએસના અન્યાયને કારણે ભારતીય મૂળની આશાસ્પદ ડોક્ટરને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ટ્રેનિંગ માટેના ઇનચાર્જ ડોક્ટરે 35 વર્ષીય ડોક્ટર વૈશ કુમારના પરિવારની લેખિતમાં માફી માગી છે. ડો. કુમારને ખોટી રીતે એમ કહેવામાં આવ્યું હતું કે, તેણે ડોક્ટર તરીકેની કામગીરી શરૂ કરતાં પહેલાં વધુ 6 મહિના ટ્રેનિંગ લેવી પડશે. તેમને બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલ ખાતે રહેવાની ફરજ પાડવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ડો. કુમારને સહયોગીઓ દ્વારા પણ પરેશાન કરાતાં હતાં. લેખિત માફીમાં એનએચએસ ઇંગ્લેન્ડે સ્વીકાર્યું છે કે ડો. કુમારને વધુ તાલીમ લેવાની જરૂર નહોતી.

ઇંગ્લેન્ડ માટેના ચીફ વર્કફોર્સ એન્ડ ટ્રેનિંગ એજ્યુકેશન ઓફિસર ડો. નવિના ઇવાન્સે ડો. કુમારના પરિવારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે અમે અમારી ભૂલો અને પરિવારને પડેલી ખોટ માટે માફી માગીએ છીએ. એક સંસ્થા તરીકે અમે આ ઘટનામાંથી પદાર્થપાઠ શીખીશું.

ગયા વર્ષે જુનિયર ડોક્ટર એવા ડો. કુમારે આત્મહત્યા કરી હતી. તેમણે સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે તેઓ કામ કરતા હતા તે હોસ્પિટલને જવાબદાર ગણાવી હતી. તેમને વેસ્ટ બર્મિંગહામ અને સેન્ડવેલ હોસ્પિટલો ખાતે ચીફ રજિસ્ટ્રાર તરીકે પસંદ કરાયાં હતાં અને તેમણે કોરોના મહામારી દરમિયાન પણ સારી કામગીરી બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter