લંડનઃ ભારતીય મૂળના મીડિયા એક્ઝિક્યુટિવ ડો. સમીર શાહ બીબીસીના નવા ચેરમેન નિયુક્ત થયાં છે. તેમની પસંદગીની સમીક્ષા પૂરી થયા બાદ કિંગ ચાર્લ્સ આ સપ્તાહમાં તેમની નિયુક્તિને મંજૂરી આપી દેશે. બીબીસીમાં છેલ્લા 40 વર્ષથી સેવાઓ આપનાર સમીર શાહને ડિસેમ્બર 2023માં સુનાક સરકાર દ્વારા બીબીસીના નવા ચેરમેન તરીકે પસંદ કરાયાં હતાં. ત્યારબાદ હાઉસ ઓફ કોમન્સની મીડિયા સિલેક્ટ કમિટી દ્વારા તેમની સમીક્ષા કરાઇ હતી.
સમીર શાહ બીબીસીના ચેરમેન તરીકે 4 માર્ચથી કામગીરી સંભાળશે. તેમની નિયુક્તિ 4 વર્ષ માટે કરાઇ છે તેથી તેઓ માર્ચ 2028 સુધી આ હોદ્દા પર કાર્યરત રહેશે. આ કામગીરી માટે તેમને વાર્ષિક 1,60,000 પાઉન્ડનું વેતન ચૂકવાશે. સમીર શાહ ટીવી પ્રોડક્શન અને પત્રકારત્વમાં 40 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેમના આ બહોળા અનુભવને કારણે જ આ પદ માટે પસંદગી કરાઇ છે. સમીર શાહ ઇચ્છે છે કે બદલાઇ રહેલા મીડિયામાં બીબીસી સફળતા હાંસલ કરે.


