ડોક્ટરના ખોટા નિદાનના કારણે 9 વર્ષની રિયાનું મોત થયું હતું

માતાપિતાની વિનંતીઓ છતાં ડોક્ટરે રિયાની માંદગીને ગંભીરતાથી લીધી નહોતી

Tuesday 19th September 2023 12:52 EDT
 

લંડનઃ ડોક્ટરો દ્વારા કરાયેલા ખોટા નિદાનને કારણે ઘાતક હૃદયરોગના હુમલાનો ભોગ બનેલી 9 વર્ષની કિશોરીનું જીવન બચાવી શક્યું હોત તેવું તારણ કોરોનર દ્વારા અપાયું છે. સ્ટેનમોરના વેધરલ ડ્રાઇવ ખાતે રહેતી 9 વર્ષીય રિયા હિરાણીને 22 ડિસેમ્બર 2022ના રોજ હેરોની નોર્થવિક પાર્ક હોસ્પિટલ ખાતેથી રજા અપાઇ હતી. ડોક્ટરોએ તેના માતાપિતાએ એન્ટીબાયોટિકના ડોઝ આપવાની કરેલી વારંવાર વિનંતી છતાં ફક્ત પેઇનકિલર્સ પ્રિસ્ક્રાઇબ કરી હતી.

રિયાને 3 દિવસથી તાવ આવી રહ્યો હતો તેથી એનએચએસ 111ની સલાહથી રિયાના માતાપિતા તેને હોસ્પિટલ લઇ ગયાં હતાં. હોસ્પિટલના સીનિયર હાઉસ ઓફિસરે રિયાને ગંભીર કોઇ માંદગી નથી અને ફક્ત કાકડાનું વાઇરલ ઇન્ફેક્શન છે તેવું નિદાન કરીને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. બીજા દિવસે રિયાની સ્થિતિ ગંભીર બનતાં તેના માતાપિતા તેને હોસ્પિટલમાં લઇ જઇ રહ્યાં હતાં ત્યારે જ રસ્તામાં ઘાતકી હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેના મગજને પણ ભારે નુકસાન થયું હતું. હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર બાદ તેનું મોત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter