લંડનઃ જાન્યુઆરી 2023માં પ્રસારિત થયેલી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ ડોક્યુમેન્ટરી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ન્યાયતંત્રની છબી ખરડવાનો આક્ષેપ કરીને બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી) સામે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલો માનહાનિનો કેસ ગુજરાત સ્થિત એનજીઓ જસ્ટિસ ઓન ટ્રાયલે પાછો ખેંચી લીધો છે.
એનજીઓના વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે, તેઓ આ મુદ્દે નવેસરથી કાનૂની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા સાથે હાલનો દાવો પાછો ખેંચી રહ્યા છે. જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે આ વિનંતી ગ્રાહ્ય રાખીને દાવો પાછો ખેંચાયેલો જાહેર કર્યો હતો. સંસ્થાએ પોતાની અરજીમાં વડાપ્રધાન, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને દેશની જનતાની પ્રતિષ્ઠાને પહોંચેલા નુકસાન બદલ રૂપિયા 10,000ના વળતરની માંગ કરી હતી.
એનજીઓ અનુસાર, ડોક્યુમેન્ટરીમાં તથ્યોને નિષ્પક્ષ રીતે રજૂ કરવામાં આવ્યા ન હતા.ભારત સરકારે આ ડોક્યુમેન્ટરીને પ્રોપેગન્ડા અને કોલોનિયલ માઇન્ડસેટનું પ્રતિક ગણાવીને યુટ્યુબ અને ટ્વિટર પરથી તેના સંબંધિત કન્ટેન્ટ દૂર કરવા સૂચના આપી હતી. બીજી તરફ, બીબીસીએ દાવો કર્યો હતો કે આ ડોક્યુમેન્ટરી સંપૂર્ણ સંશોધન અને ઉચ્ચ સંપાદકીય માપદંડોને અનુસરીને તૈયાર કરવામાં આવી હતી.


