લંડનઃ અમેરિકાએ યુક્રેનને જાકારો આપ્યા બાદ યુરોપે હવે આત્મબળે રશિયાનો મુકાબલો કરવા કમર કસી લીધી છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જોહુકમી સામે યુકેના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે મક્કમ વલણ અપનાવી યુક્રેનના અસ્તિત્વને બચાવવા યુરોપને એકજૂથ કરવાનું બીડૂં ઝડપી લીધું છે. અગાઉના સપ્તાહના સમગ્ર ઘટનાક્રમમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં અને બ્રિટિશ વડાપ્રધાન સ્ટાર્મર સાથેની ટ્રમ્પની મુલાકાતો અને છેલ્લે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથેના અમેરિકી સત્તાધીશોના અપમાનજનક વલણે સમગ્ર યુરોપને એક ઐતિહાસિક વળાંક પર લાવીને મૂકી દીધો છે. આગામી દિવસો કૂટનીતિની દ્રષ્ટિએ યુરોપ અને અમેરિકા માટે અત્યંત મહત્વના છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકી સમર્થન વિના યુરોપ રશિયા સામે એકલા હાથે બાથ ભીડી શકે તેમ નથી તેમ છતાં યુરોપે હવે ભાવિ માટે જાતે જ વિચારીને નિર્ણયો લેવા પડશે અને અમેરિકાની શેહમાંથી મુક્ત થવું પડશે તે અનિવાર્ય બની રહ્યું છે.


