ડોમિનિક કમિન્સ લોકડાઉનના નિયમભંગના વિવાદમાં ઘેરાયા

Thursday 28th May 2020 00:44 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ લોકડાઉનનો ભંગ કરવાના વિવાદમા સપડાયેલા ડોમિનિક કમિન્સે માફી માગવાનો ઈનકાર કર્યો છે. વડા પ્રધાનના વિશેષ સલાહકાર ડોમિનિક કમિન્સ લોકડાઉન દરમિયાન ૨૬૦ માઈલનું ડ્રાઈવિંગ કરી તેમના માતાપિતાને મળવા ડરહામ પહોંચ્યા હતા. કમિન્સની હકાલપટ્ટીની માગણી વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમનો બચાવ કર્યો હતો.

કમિન્સે સ્વીકાર્યું હતું કે માર્ચ મહિનાના અંતમાં તેમણે કરેલા પ્રવાસ માટે વડા પ્રધાન જ્હોન્સનની પરવાનગી મેળવી ન હતી. જોકે, તેમણે એમ પણ કહ્યું હતું કે પેરન્ટ્સની જમીન પરના કોટેજમાં રહેવા જવા ડરહામ સુધી જવાનો તેમનો નિર્ણય ભારે જટિલ અને પેચિદી પરિસ્થિતિનું પરિણામ હતો. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મેં જે કર્યું તેનો મને અફસોસ નથી. મે જે કર્યું તે પ્રવર્તમાન સંજોગો હેઠળ વાજબી હતું. કમિન્સે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે રાજીનામાની ઓફર કરી નથી કે તેના વિશે વિચાર્યું પણ નથી.

જ્હોન્સને કમિન્સનો બચાવ કર્યો

વડાપ્રધાન બોરિસ જ્હોન્સન તેમના મુખ્ય સલાહકાર અને ગાઢ સાથી ડોમિનિક કમિન્સના બચાવમાં બહાર આવ્યા છે તેની ભારે ટીકા થઈ છે. કોરોના વાઈરસના ચેપ પછી એકાંતવાસમાં રહેલા કમિન્સ પર લોકડાઉન નિયમોનો ભંગ કરવાનો આક્ષેપ લગાવાયો છે. તેઓ કોરોનાનાં લક્ષણો છતાં પત્ની સાથે માતા-પિતાને મળવા લંડનથી ૪૨૦ કિ.મીના અંતરે આવેલા ડરહામ ગયા હતા. કેટલાક લોકોએ આ મામલે પોલીસને ફરિયાદ પણ કરી છે. આ વિવાદના પગલે કમિન્સના રાજીનામાની માગણી થઈ છે. લોકડાઉનમાં લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ હોવા છતાં, સામાન્ય બ્રિટિશ જનતા અને વડા પ્રધાનના ખાસ લોકો માટે જુદા જુદા નિયમો છે તેવા પ્રશ્નો વચ્ચે જ્હોન્સને કહ્યું છે કે તેઓ ડોમિનિકને નહિ હટાવે, તેમણે નિયમ તોડ્યો નથી.

કમિન્સે સ્વીકાર્યું હતું કે તેઓ કોરોના વાઈરસ એકાંતવાસ પછી ૧૨ એપ્રિલે બર્નાર્ડ કેસલ ટાઉનના પ્રવાસે નીકળ્યા હતા પરંતુ, ડરહામથી ૩૦ માઈલના અંતરે આવેલા આ ટાઉનમાં તો પરિવાર સાથે પગે ચાલીને ફર્યા ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter