ડોમેસ્ટિક ફ્લાઈટ એક કલાક મોડી પડશે તો પેસેન્જરને વળતર આપવું પડશે

Tuesday 08th February 2022 14:49 EST
 
 

લંડનઃ એરલાઈનના પેસેન્જર્સને વધુ રક્ષણ આપવા માટે સરકાર ધરખમ સુધારા કરી રહી છે. જો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ એક કલાક જેટલી મોડી પડશે તો પેસેન્જર વળતર મેળવવાને હકદાર બનશે. અત્યારે ત્રણ કલાકનો વિલંબ થાય તો જ વળતરનો દાવો કરી શકાય છે. સરકાર યુકેમાં કાર્યરત એરલાઈન્સને ‘ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝોલ્યુશન- (ADR)’ સ્કીમ્સ પર સહી કરવાની ફરજ પાડશે જેના પરિણામે, ગ્રાહકોને કોર્ટમાં ગયા વિના ફરિયાદ કરવાનો માર્ગ મળશે. હાલ એરલાઈન્સ માટે ADR સભ્યપદ મરજિયાત છે.

સરકાર દ્વારા સિવિલ એવિએશન ઓથોરિટીને નવી સત્તાઓ આપવામાં આવી છે જેમાં નિયમભંગ બદલ સાત દિવસમાં રિફન્ડ નહિ અપાય તો એરલાઈન્સને દંડ કરવા અને ડોમેસ્ટિક ફ્લાઈટમાં વલંબ થવા બદલ પેસેન્જરને વળતર આપવાનો સમાવેશ થાય છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે જણાવ્યું હતું કે જ્યારે કશું ખોટું થાય ત્યારે પેસેન્જરને પ્રાથમિકતા આપતી સેવાની જરૂર છે આથી, એરલાઈન ગ્રાહકોને સુરક્ષા અને અધિકારોને વધારતી દરખાસ્તો લોન્ચ કરવામાં આવી છે.

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે વિલંબ વળતર યોજનામાં ધરખમ સુધારા કરવામાં આવ્યા છે જેના પરિણામે પ્રવાસી અને એરલાઈન બંને માટે સિસ્ટમ વાજબી બનશે. હાલ યુકે દ્વારા ઈયુના નિયમ ૨૬૧નો અમલ કરાય છે જેના હેઠળ પેસેન્જર ૧૫૦૦ કિ.મી.થી ઓછા અંતરની ટુંકી ફ્લાઈટમાં ત્રણ કલાકથી વધુ વિલંબ થાય તો ૨૨૦ પાઉન્ડનો ક્લેઈમ કરી શકે છે પરંતુ, ઓછાં વિલંબ માટે કોઈ વળતર મળતું નથી.

હવે ડોમેસ્ટિક ફ્લાઈટ ડિલે કોમ્પેનસેશન યોજના હેઠળ પેસેન્જર એક કલાકથી વધુ પરંતુ, બે કલાકથી ઓછાં વિલંબ બદલ તેમની પ્રવાસ ટિકિટની પ્રાઈસની ૨૫ ટકા રકમ વળતર મેળવવાને પાત્ર રહેશે. જો વિલંબ બે કલાક અને ૫૬ મિનિટ સુધીનો હશે તો ટિકિટ પ્રાઈસના ૫૦ ટકા અને વિલંબ ત્રણ કલાકથી વધુ હોય તો સંપૂર્ણ ટિકિટનું વળતર મેળવવા હકદાર રહેશે. રેલ એને ફેરી ઓપરેટર્સ દ્વારા વળતરને ટ્કિટની કિંમત સાથે સાંકળી લેવાય છે તે જ સિસ્ટમ અપનાવાશે.

ડોમેસ્ટિક ફ્લાઈટ દરમિયાન વ્હીલચેર અને મોબિલિટી સ્કૂટર ગૂમ થાય કે નુકસાન થાય તો તેના રીપેરિંગ અથવા રીપ્લેસમેન્ટનો સંપૂર્ણ ખર્ચ એરલાઈન્સે ચૂકવવો પડશે. મોન્ટ્રીઅલ કન્વેન્શનની વર્તમાન જોગવાઈ હેઠળ વ્હીલચેરની કિંમત ૨૫,૦૦૦ પાઉન્ડથી વધુ હોય તો પણ માત્ર ૧૨૦૦ પાઉન્ડ સુધીની રકમ જ ચૂકવવાની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter