લંડન
બ્રિટનમાં વિદેશી સ્થળાંતરીઓની સમસ્યા વિકરાળ બની રહી છે. તેના કારણે હવે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. 30 ઓક્ટોબરના રવિવારે દક્ષિણ ઇંગ્લેન્ડમાં આવેલા ડોવરમાં માઇગ્રન્ટસ માટેના પ્રોસેસિંગ સેન્ટર પર એક વ્યક્તિએ પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ આત્મહત્યા કરી લીધી હતી. એક શ્વેત વ્યક્તિ તેની કારમાં સવાર થઇને સેન્ટર પાસે પહોંચ્યો હતો અને એક પછી એક 3 પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. ત્યારબાદ તેણે નજીકના પેટ્રોલ પમ્પે પહોંચીને ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ હુમલામાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
ઇંગ્લીશ ચેનલ પાર કરીને બ્રિટન આવી રહેલા વિદેશી નિરાશ્રીતોની સમસ્યા વિકરાળ બની રહી છે. માનસ્ટોન એરપોર્ટ ખાતેના પ્રોસેસિંગ સેન્ટરમાં 1600ની ક્ષમતા સામે 4000 નિરાશ્રીતોને રખાયાં છે. અહીં આ લોકોને 24 કલાક માટે જ રાખવાના હોય છે પરંતુ ચીફ ઇન્સ્પેક્ટરની મુલાકાતમાં જાણવા મળ્યું હતું કે, કેટલાક લોકો અહીં એક મહિના કરતાં વધુ સમયથી છે.
સુએલા બ્રેવરમેને ડોવર ખાતે થયેલા હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. હુમલા બાદ ડોવરના સેન્ટર ખાતે રખાયેલા 700ને મેન્સ્ટોન ખાતે ખસેડાયા હતા.
29 ઓક્ટોબરના શનિવારે એક જ દિવસમાં 1000 વિદેશી નિરાશ્રીત ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં લગભગ 40,000 લોકો ફ્રાન્સથી નાની હોડીઓમાં સવાર થઇને બ્રિટન પહોંચ્યા છે. બ્રિટન આ નિરાશ્રીતોના રહેવાની વ્યવસ્થા પાછળ દિવસના 7 મિલિયન પાઉન્ડ ખર્ચી રહ્યો છે.
રાજ્યાશ્રય માટે આવતા નિરાશ્રિતોને ક્રુઝ શિપમાં રાખવાની યોજના પડતી મૂકાઇ
બ્રિટનમાં રાજ્યાશ્રય માટે આવી રહેલા વિદેશી શરણાર્થીઓને રાજ્યાશ્રયની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી ક્રુઝ શિપમાં રાખવાની યોજના પડતી મૂકવા રિશી સુનાકને ફરજ પડી છે. જુલાઇમાં ટોરી લીડરશિપની રેસમાં પ્રચાર દરમિયાન સુનાકે નિરાશ્રીતોને ક્રુઝ શિપમાં રાખવાનું વચન આપ્યું હતું. જોકે હવે નિષ્ણાતોએ તેમને ચેતવણી આપી છે કે આ રીતે ક્રુઝ શિપમાં ઉતારો આપવો ગેરકાયદેસર ગણાશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે આ યોજના પડતી મૂકાઇ હોવાના અહેવાલોને સમર્થન આપ્યું છે. સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર રાજ્યાશ્રય માટે આવી રહેલા નિરાશ્રીતોને ઉતારો આપવાની વૈકલ્પિક વ્યવસ્થા પર વિચારણા કરી રહી છે. જોકે ક્રુઝ શિપનો આ માટે ઉપયોગ થવાનો છે કેવી કોઇ યોજનાની મને જાણ નથી.


