લંડનઃ લેસ્ટરના ફરાર થઇ ગયેલા કથિત ડ્રગ ડીલર સાકાબ મલિક પર 5000 પાઉન્ડનું ઇનામ જાહેર કરાયું છે. ચાર વર્ષ પહેલાં ફરાર થયેલા સાકાબ અંગે માહિતી આપવા ક્રાઇમસ્ટોપર્સ દ્વારા આ ઇનામની જાહેરાત કરાઇ છે. કોકેન સપ્લાય કરવાના આરોપસર સાકાબને ઓગસ્ટ 2021માં લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર ન રહેતાં કોર્ટ દ્વારા તેની વિરુદ્ધ ધપકડ વોરંટ જારી કરાયું હતું. મૂળ રોધરહામનો વતની એવો સાકાબ ત્યારથી લાપતા છે. સ્વતંત્ર ચેરિટી ક્રાઇમસ્ટોપર્સ હવે તેના અંગે માહિતી આપનારને 5000 પાઉન્ડનું ઇનામ ઓફર કરી રહી છે. સાકાબ અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે. ક્રાઇમસ્ટોપર્સના ઇસ્ટ મિડલેન્ડના રિજિયોનલ ડિરેક્ટર લિડિયા પેટસેલાઇડ્સે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે એવા લોકો છે જેમની પાસે સાકાબ મલિક અંગેની જાણકારી છે. હું એવા લોકોને આહવાન કરું છું કે તેઓ આગળ આવીને ચેરિટીને માહિતી આપે. અમે માહિતી આપનારની ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખીશું.