ડ્રગ લાઈસન્સ વેચીને પાંચ જ વર્ષમાં £૧૦૦ મિલિયનની મબલખ કમાણી

Wednesday 11th January 2017 05:25 EST
 
 

લંડનઃ ૬૪ વર્ષીય બ્રિટિશ ઉદ્યોગપતિ અનિલ શર્માએ છેલ્લાં પાંચ વર્ષમાં કંપનીઓને ડ્રગ લાઈસન્સ વેચીને £૧૦૦ મિલિયનની મબલખ કમાણી કરી છે. તેમાંની ઘણી કંપનીઓએ પોતાની દવાઓના ભાવમાં જંગી વધારો કરી દીધો છે. શર્મા NHSના નિયમોમાં રહેલી છટકબારીનો ગેરલાભ ઉઠાવીને વ્યક્તિગત સૌથી મોટો ફાયદો ઉઠાવનાર બન્યા છે. શર્મા કુટુંબ દવાના સોદાઓમાં નફાથી વૈભવી અને એશોઆરામનું જીવન વીતાવે છે.

નિયમોની છટકબારીને લીધે કંપનીઓ મોટા પાયે ભાવવધારો કરી શકે છે. કંપનીઓ બ્રાન્ડ નેમ હેઠળ દવા વેચવાને બદલે જેનેરિક દવાઓ વેચીને નફાની નિશ્ચિત મર્યાદાને ટાળી શકે છે. આમ તો અનિલ શર્માએ જાતે ભાવ વધાર્યા નથી. પરંતુ, જેનેરિક દવાઓ માટે લાઈસન્સ મેળવીને તે અન્ય ફાર્માસ્યુટિકલ કંપનીઓને વેચીને વચેટિયા તરીકે કામ કરીને તેમણે આ સંપત્તિ મેળવી છે.

ગત પાંચ વર્ષમાં તેમણે જે ૨૪ દવાઓના લાઈસન્સ વેચ્યા હતા તેના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. શર્માએ પહેલી વખત લાઈસન્સ મેળવ્યું ત્યારે ટ્રીમીપ્રામીન દવાના પેકેટનો ભાવ માત્ર £૧૧ હતો. જે તેમણે લાઈસન્સ વેચ્યા પછી અત્યારે £૨૦૦ની આસપાસ છે.

શર્મા જે દવાઓ માટે બજારમાં મર્યાદિત હરીફાઈ હતી તેવી દવાઓના લાઈસન્સ દ્વારા ખૂબ રકમ મેળવતો હતો. ઘણી વખત તે વર્ષો સુધી દવાઓના લાઈસન્સ પાસે રાખતો અને દવાના ભાવ વધવાનું શરૂ થાય પછી તેની કિંમતમાં જંગી વધારો કરીને વેચતો હતો. ભાવના નિયંત્રણથી બચવા માટે મેન્યુફેક્ચરર દવાનું બ્રાન્ડ નેમ કાઢી નાખતા હોવાથી જ આ બનતું હતું.

NHS બ્રાન્ડ વિનાની દવાઓના ભાવ નક્કી કરવા માટે મોટે ભાગે સ્પર્ધા પર આધાર રાખે છે. પરંતુ, જ્યાં ઓછા હરીફો હોય ત્યાં ઉત્પાદકો તેમની મરજી મુજબનો ભાવવધારો ઝીંકી દે છે.

તેના પુત્ર ઉદય શર્માએ તેની પાર્ટી લાઈફસ્ટાઈલ, કાર અને પિતાની £૧૫,૦૦૦ની ઘડિયાળના ફોટા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ champagnesharmaપર મૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter