લંડન
ઢળતી ઉંમરે માતાપિતા એવી આશા રાખતા હોય છે કે તેમના સંતાનો તેમની કાળજી લે પરંતુ કેટલાક કપૂત વૃદ્ધ માટાપિતાનું જીવન દોહ્યલું કરી નાખે છે. સામાન્ય રીતે ભારતીય સમુદાયમાં આ પ્રકારના બનાવો ઓછા બનતાં હોય છે પરંતુ માદક દ્રવ્યોનું વ્યસન ભારતીય સમુદાયમાં પણ ઘર કરી રહ્યું છે અને આ પ્રકારના વ્યસનોમાં ફસાયેલા યુવાનો માતાપિતાને પણ ચેનથી જીવવા દેતાં નથી. આવી જ એક ઘટનામાં માતાપિતાને નાણા માટે હેરાન પરેશાન કરી નાખનાર દેવેન પટેલને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
પોતાની ડ્રગ્સની લતના કારણે 49 વર્ષીય દેવેન પટેલ તેના માતાપિતાને ઇમોશનલી બ્લેકમેલ અને મારઝૂડ કરતો હતો. અદાલતે માતાપિતાને નહીં મળવાના આપેલા આદેશોનું તે અનેકવાર ઉલ્લંઘન કરી ચૂક્યો હતો. તેના માતાપિતા હવે આ કપૂતના કારસ્તાનોના કારણે હતાશ અને આર્થિક રીતે બરબાદ થઇ ગયાં છે. એકવાર તો આ કપૂતે તેના માતાપિતાને ડ્રગ ડીલર પાસે લઇ જવા ભારે દબાણ કરીને હેરાન પરેશાન કરી નાખ્યા હતા. વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, દેવેન પટેલ નાણા માટે તેના માતાપિતાને હેરાન પરેશાન કરી નાખતો હતો. 2009 અને 2013માં કોર્ટે દેવેન પટેલ પર તેના માતાપિતાને મળવા પર પાબંદી લગાવી હતી તેમ છતાં તે વારંવાર આ પાબંદીનું ઉલ્લંઘન કરતો હતો. આ માટે તેને જેલમાં ધકેલી દેવાયો હતો. ઓગસ્ટ 2019માં ફરી એકવાર તેના પર આ પ્રકારની પાબંદી લાગુ કરાઇ હતી તેમ છતાં દેવેન તેના માતાપિતાને વારંવાર નાણા માટે પરેશાન કરતો રહ્યો હતો.
અદાલતમાં સુનાવણી દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટરે જણાવ્યું હતું કે, દેવેનને તેના માતાપિતાની હાડમારીની કોઇ પરવા નથી. તે એમ માની રહ્યો છે કે તે ડ્રગનો બંધાણી હોવાના કારણે તેને તેના કૃત્યો માટે જવાબદાર ઠેરવવામાં નહીં આવે. આ પહેલાં પણ તે છેતરપિંડી, ઉઠાંતરી અને ચોરી જેવા અપરાધોમાં સંડોવાયેલો હતો. તેણે તેના માતાપિતા જ નહીં પરંતુ અન્ય પરિવારજનોને પણ છોડ્યાં નથી.


