લંડન
પૂર્વ ચિલ્ડ્રન કમિશ્નર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ડ્રગ માફિયાઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી માટે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુવા સગીરોને કાઉન્ટીઓમાં ડ્રગ્સની હેરાફેરી કરવાના કામે લગાડવામાં આવી રહ્યાં છે. યુવાનો પરના કમિશનના વડા એન લોન્ગફિલ્ડે સરકારને ચેતવણી આપી છે કે ડ્રગ માફિયાઓ દ્વારા બાળકોના શોષણને ગંભીરતાથી લે કારણ કે આ પણ એક પ્રકારનો આતંકવાદ છે.
કમિશને તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે ઇંગ્લેન્ડમાં હજારો સગીરો હિંસા અને અપરાધના ચક્રવ્યૂહમાં સપડાઇ જવાનું જોખમ સર્જાયું છે. કોરોના મહામારી, મોંઘવારી અને નાણાની અછત અપરાધીઓ માટે મોટી ભેટ સમાન છે અને તેઓ બાળકોનો અપરાધો માટે ઉપયોગ કરી રહ્યાં છે.
લોન્ગફિલ્ડે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં બે ટ્રેન્ડ સામે આવ્યાં છે. ડ્રગ માફિયાઓ દ્વારા મધ્યમવર્ગના સગીરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમને લલચાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થઇ રહ્યો છે. બાળકો દ્વારા ડ્રગ્સની હેરાફેરી હવે મહામારીનું સ્વરૂપ ધારણ કરી રહી છે. સરકારી આંકડા અનુસાર 2021-22માં ગેંગ દ્વારા ડ્રગ્સની હેરાફેરીના 11600 મામલા સામે આવ્યા હતા જ્યારે બાળકો દ્વારા ડ્રગ્સની હેરાફેરીના 10,140 મામલા પકડાયા હતા. ઇંગ્લેન્ડમાં 11થી 17 વર્ષના બે લાખ બાળકો ગંભીર હિંસાનો ભોગ બની શકે છે. ગરીબીમાં જીવતા સગીરો પર સૌથી મોટું જોખમ તોળાઇ રહ્યું છે.


