લંડનઃ એર ઇન્ડિયા ક્રેશના પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા ઇન્ટરનેશનલ લીગલ એક્સપર્ટ્સ પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર થયા બાદ વિમાન નિર્માતા કંપની બોઇંગ પર અંગુલિનિર્દેશ કરી રહ્યાં છે. તેમના અનુસાર તપાસ અહેવાલના તારણો બોઇંગની એરક્રાફ્ટ સિસ્ટમમાં સંભવિત નિષ્ફળતા દર્શાવી રહ્યાં છે.
યુકેની સૌથી મોટી લિટિગેશન કાયદા કંપની સ્ટુઅર્ટના એવિએશન પાર્ટનર સારા સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે, તપાસ અહેવાલના પ્રારંભિક તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલ કટ ઓફના કારણે આ દુર્ઘટના સર્જાઇ હતી જે બોઇંગની સિસ્ટમોની સંભવિત નિષ્ફળતા તરફ ધ્યાન દોરે છે. કટ ઓફ સ્વિચો કાટમાળમાં રન પોઝિશનમાં મળી આવી હતી તેનો અર્થ એ થયો કે પાયલોટને સ્વીચની સ્થિતિ અંગે માહિતી જ નહોતી.
પીડિત પરિવારોને સલાહ આપી રહેલી અન્ય એક કાયદા કંપની કીસ્ટોન લો કંપનીના જેમ્સ હીલીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ બોઇંગ અને એર ઇન્ડિયા માટે ગંભીર ચિંતાનો વિષય છે. અમે પીડિત પરિવારો વતી અમેરિકી અદાલતોમાં બોઇંગ સામે કેસ દાખલ કરવા જઇ રહ્યાં છીએ. અમે એર ઇન્ડિયા સામે લંડનની હાઇકોર્ટમાં પણ કાયદાકીય પગલાં લેવા જઇ રહ્યાં છીએ.
પ્રાથમિક અહેવાલની સમીક્ષા કરી પગલાં લેવાશેઃ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ
યુકેના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે આ એક કરૂણાંતિકા હતી અને અમે પીડિત પરિવારો સાથે છીએ. ભારતીય સત્તાવાળા દ્વારા દુર્ઘટના પરનો પ્રાથમિક અહેવાલ જારી કરાયો છે. અમે તેની સમીક્ષા કરી જરૂરી પગલાં લઇશું.
અમદાવાદ ક્રેશના ચાર સપ્તાહ પહેલાં બ્રિટિશ સિવિલ એવિએશને ચેતવણી જારી કરી હતી
બોઇંગ વિમાનોની જાળવણી અંગે બ્રિટનની સિવિલ એવિએશન ઓથોરિટીએ નવો ખુલાસો કર્યો છે. ઓથોરિટીએ જણાવ્યું છે કે અમદાવાદ પ્લેન ક્રેશના ચાર સપ્તાહ પહેલાં અમે બોઇંગ વિમાનોની ફ્યુઅલ કન્ટ્રોલ સ્વિચ અંગે એલર્ટ જારી કર્યો હતો. સીએએ દ્વારા 15 મેના રોજ તમામ એરલાઇન્સને આદેશ અપાયો હતો કે તેઓ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના નિર્દેશોનું પાલન કરે. અમેરિકન એજ્સીએ બોઇંગના વિમાનોના ફ્યુઅલ શટ ઓફ વાલ્વના સંભવિત જોખમો અંગે ચેતવણી આપી હતી. સીએએએ બ્રિટન આવતી તમામ એરલાઇન્સને આ આદેશનું પાલન કરવા સૂચના આપી હતી.