માન્ચેસ્ટરઃ હેરડ્રેસિંગ સલૂનના બે માલિકને યુકેમાં ૨.૫ ટનથી વધુ તમાકુ સ્મગલિંગ દ્વારા ઘુસાડી ૪૫૦,૦૦૦ પાઉન્ડની ડ્યૂટી અને વેટની છેતરપિંડી કરવાના મામલે જેલની સજા કરાઈ છે. બ્રામહોલના યુનિક હેરડ્રેસર્સના મોહમ્મદ કટ્ટાની (૩૭) અને વિથિંગ્ટનના સ્નિપ્ઝ હેરડ્રેસર્સના અહમદ અલ-સલાઈમા (૩૩)એ દુબાઈથી ફ્રેઈટ ઈમ્પોર્ટ, પોસ્ટલ પાર્સલ અને પોતાના સામાનમાં ફળોની સુંગંધ ધરાવતી તમાકુ સ્મગલ કરી હતી. માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ૨૨ જાન્યુઆરીએ મોહમ્મદ કટ્ટાની અને અહમદ અલ-સલાઈમાને બે-બે વર્ષની જેલની સજા ફરમાવી હતી.
હેરડ્રેસિંગ સલૂન માલિકોની જુલાઈ ૨૦૧૩માં ધરપકડ કરાઈ હતી. યુકે બોર્ડર ફોર્સ દ્વારા હીથ્રો અને માન્ચેસ્ટરના એરપોર્ટ તથા પોર્ટ ઓફ ફેલિક્સ્ટોવ ખાતે ગેરકાયદે તમાકુ ઝડપી લીધાં પછી રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના તપાસકારોને આ માલિકોની સંડોવણી જણાઈ હતી. ટનબંધ ગેરકાયદે તમાકુ માન્ચેસ્ટરની શેરીઓમાં પગ કરી જાય તે પહેલા આંતરી લેવાયું હતું.
કટ્ટાની અને અલ-સલાઈમા ત્રીજી રવાડ ટ્રેડિંગ કંપની સાથે પણ સંકળાયેલા હતા. દાણચોરીથી લવાતી તમાકુના પાર્સલ અને કન્સાઈનમેન્ટ્સ સફાઈ માટેના સુગંધી પદાર્થો, ક્લોધિંગ્સ, ટેબલક્લોથ્સ, કિચન પ્રોડક્ટ્સ અને બાથરૂમ ક્લીનર્સ તરીકે ગણાવાતા હતા.

