લંડનઃ કોર્ટમાં અપરાધી ઠરી ચૂકેલા વિદેશી નાગરિકો માટેની પોતાની નીતિમાં બદલાવ લાવતાં કન્ઝર્વેટિવ પાર્ટીએ જણાવ્યું છે કે તમામ વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવામાં આવે. લેબર સરકાર દ્વારા લવાયેલા બોર્ડર બિલમાં કન્ઝર્વેટિવ પાર્ટી આ સુધારો સૂચવવા આગળ વધી રહી છે. ટોરીઝ ઇચ્છે છે કે એક વર્ષથી વધુ જેલની સજા થઇ હોય તેવા વિદેશી નાગરિકોને દેશમાંથી હાંકી કાઢવામાં આવે.
કન્ઝર્વેટિવ પાર્ટીને આશા છે કે તેના આ સુધારાને લેબર સાંસદોનું પણ સમર્થન મળી રહેશે. આ સુધારાથી વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાનું સરકાર માટે પણ સરળ બની રહેશે. આ નીતિ યુકેમાં રાજ્યાશ્રયની માગ કરનારા સહિતના વિદેશી નાગરિકોને લાગુ પડશે. જે વિદેશી નાગરિકો પર ઇમિગ્રેશન અપરાધોના કેસ થયા હોય, દોષી ઠર્યા હોય તેમને પણ દેશનિકાલ કરાશે.
શેડો હોમ સેક્રેટરી ક્રિસ ફિલિપ આ પ્રસ્તાવને સરળ ગણાવ્યો છે પરંતુ રેફ્યુજી સંગઠનો તેને નકામો ગણાવી રહ્યાં છે. ટીમ હિલ્ટને જણાવ્યું હતું કે, આ સુધારો ભયભીત કરનારો છે. તેનો અમલ પણ અશક્ય છે. આ સુધારાથી તો સતાવણી અને યુદ્ધોના કારણે યુકેમાં આશ્રય લેવા પહોંચેલા રેફ્યુજી પણ ભોગ બનશે.

