જયા ગજપરિયા ઈથાકા કોલેજ, લંડન સેન્ટર અને લંડન સાઉથ બેન્ક યુનિવર્સિટીમાં સોશિયોલોજી અને એન્વિરોન્મેન્ટલ સસ્ટેનેબિલિટીના લેક્ચરર છે. મુંબઈમાં અગ્રણી મહિલા સંસ્થાઓ સાથે કાર્યરત તેમજ એસ્પાયર ફાઉન્ડેશનના મેન્ટર જયાબહેને સોશિયલ સાયન્સીસ કેમ્પેઈનના ભાગરૂપે અનેક વ્યાખ્યાનો આપ્યાં છે. તેઓ કહે છે કે,‘દરેક સ્ત્રીઓની માફક હું પણ મારી ત્વચાના રંગ અને લિંગના કારણે હાંસિયે ધકેલાઈ છું.’ તેમણે પોતાના પીએચ.ડી મહાનિબંધમાં ‘મુંબાઈના સ્લમ કોમ્યુનિટીઝમાં રહેતી સ્ત્રીઓ અને કિશોરીઓ’ તેમજ ‘ઉચ્ચ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ’ના ઈન્ટરવ્યૂમાં નીચલાં સામાજિક-આર્થિક વર્ગો સાથે તેમના સંબંધો દર્શાવ્યા છે. અતિ સંવેદનશીલ વિષયમાં ચોકસાઈ અને કઠોરતા સામેલ કરીને જયા ગજપરિયાએ સોશિયોલોજી અતિ મૂલ્યવાન પ્રયોગમૂલ્ક વિજ્ઞાન હોવાનું દર્શાવ્યું છે.• તમારાં સંશોધન, અભ્યાસ અને કોમ્યુનિટી પ્રવૃત્તિના આધારે જાતિવાદનો સામનો કરવામાં શેની મદદ મળી શકવાની લાગણી થઈ છે? માળખાકીય, વ્યવહાર અને રોજિંદા જાતિવાદ દરેક સ્તરે જોવાય-અનુભવાય છે. સ્વર્ગસ્થ જયાબહેન દેસાઈએ વર્કપ્લેસમાં માઈગ્રન્ટ સ્ત્રીઓનાં શોષણ સામે ગ્રુન્સવિક સ્ટ્રાઈક્સનું નેતૃત્વ કર્યું હતું. પોલીસ ફોર્સ અને રંગભેદી ઈમિગ્રેશન નીતિઓમાં (આ ક્ષેત્રે સાઉથોલ બ્લેક સિસ્ટર્સનું કાર્ય નોંધપાત્ર છે) સંસ્થાગત જાતિવાદ જોવાં મળે છે. એશિયન કોમ્યુનિટીની વાસ્તવિકતા અંગે ગૂંચવાડાપૂર્ણ ઘૃણાજન્ય અતિશયોક્તિથી મને આઘાત લાગે છે. ભારતીયો યુકેમાં માઈગ્રન્ટ્સ તરીકે આવ્યાં અને સ્થાનિકો પાસેથી નોકરીઓની તકો છીનવાતી હોવાનું લાગતાં આપણને દેશ છોડી જવાં કહેવાતું હતું ત્યારે સમજણ અને અનુકંપાનો અભાવ જણાતો હતો. આપણે ઘણી બાબતો કરી શકીએઃ વિવિધ સંસ્કૃતિઓની સમજ મેળવવા સારી રીતે સાંભળવાનું રાખીએ, જે કોમ્યુનિટી ગ્રૂપ્સ દ્વારા વર્કશોપ્સ અને શૈક્ષણિક કાર્યક્રમો મારફત પણ થઈ શકે છે. હું માનું છુ કે શેરીથી વર્કપ્લેસ સુધી તમામ સ્તરે પ્રત્યક્ષ કે પરોક્ષ રંગ-જાતિભેદનો સામનો થવો જોઈએ. તમે કોને અને કઈ નીતિઓને મત આપો છો, વિશાળ વાચન, વિરોધપ્રદર્શનોમાં હાજરી તેમજ સ્થાનિક અને રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ માટે વોલન્ટીઅરિંગમાં સામેલ થવાથી રેસિઝમનો સામનો કરી શકાશે.• સોશિયલ સાયન્સીસના તમારા વીડિયો ‘રેઈઝિંગ અવેરનેસ’માં તમે વંશીય લઘુમતી અને મહિલા તરીકે ‘રોજિંદા’ પૂર્વગ્રહોના સામનાનો ઉલ્લેખ કર્યો હતો. વિસ્તૃતપણે જણાવશો?મારાં અનુભવો વિવિધ પ્રકારના છે, પરંતુ સામાન્યપણે કહું તો પિતૃપ્રધાનતા તમામ સ્તરે છે. આપણા સમાજમાં મોટા ભાગની સિસ્ટ્મ્સ પુરુષોને લાભદાયી રહે તેવી છે. ઉદાહરણ આપું તો સામાજિક લૈંગિક બંધારણથી પ્રભાવમાં એશિયન સ્ત્રીઓ સારી પત્ની અને માતા બની રહે તેવી અપેક્ષા રખાય છે. ચોક્કસ કહું તો, કોમ્યુનિટી, પરિવાર અને મિત્રવર્ગ સ્ત્રીઓ પર બાળકોને જન્મ આપવા અને માતા બનવા સાથે તેનું અસ્તિત્વ અને ‘સ્ત્રીત્વ’ મિટાવવા દબાણ કરે છે તેને વર્ણવવા મેં ‘સ્ટોપ પોલિસિંગ માય વુમ્બ’ શબ્દપ્રયોગ કર્યો છે. (આનો અર્થ એ નથી જ કે માતૃત્વ પરિપૂર્ણતા આપતું નથી કે અદ્ભૂત અનુભવ નથી) મને ઘણી વખત કહેવાયું છે કે બાળકો ન હોવાથી હું પૂર્ણ સ્ત્રી કહેવાઉં નહિ, આથી, સ્ત્રી હોવું એટલે શું તેની મને ખબર નથી. મેં જ્યારે પીએચડી રિસર્ચ શરૂ કર્યું-જેના માટે મને સ્કોલરશિપ મળી હતી ત્યારે મને ઘણી વખત કહેવાયું હતું કે આ નિર્ણય ખોટો હતો અને મારે પરિવાર બનાવવો જોઈએ. જો ભૂમિકાઓ ઉલટપુલટ થઈ જાય તો મારા પતિને કોઈએ આવો પ્રશ્ન કર્યો ન હોત.• તમારા ઉછેરના શહેર ‘ઓલ્ધામ’માં તમારે ‘કઠોર જાતિવાદ’નો સામનો કરવો પડ્યો હતો. તમારા મતે આમ શાથી થાય છે?અસલામતી, જ્ઞાન અને સમજણનો અભાવ તેમજ પ્રેસમાં ઘૃણાજન્ય અતિશયોક્તિપૂર્ણ ઉશ્કેરણી કારણભૂત છે.• તમારાં કાર્યમાં વૃદ્ધોને વિશેષ મહત્ત્વ આપો છો, શા માટે? કુદરતી રીતે જ વૃદ્ધો તરફ મારું ખેંચાણ વધુ છે. તેમની સાથે કોઈ પણ બાબતે ગામગપાટા મારવા, તેમની સાથે ચા-પાણી પીતા તેમના જીવન વિશે વાતો કરવી મને ગમે છે. સંશોધનો કહે છે કે જીવનના ત્રીજા તબક્કામાં લોકોને શારીરિક રીતે સક્રિય રાખવા સાથોસાથ સામાજિક રીતે પણ પ્રવૃત્ત રાખવાથી તેમના માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે.• પર્યાવરણની રક્ષા માટે સૌથી શક્તિશાળી પ્રવૃત્તિ શેને ગણાવશો?ફેશન કે ઊર્જાથી માંડી પેકેજ્ડ અને પ્રોસેસ્ડ આહાર સહિત તમામનો સૌથી ઓછો વપરાશ કરો.www.theaspirefoundation.org


