લંડનઃ કોરોના વાઈરસ લોકડાઉનમાં નોર્થમ્બરલેન્ડની એલ્નવિક બ્રુઅરી કંપની તમામને મફત બીયર આપી રહી છે. ચાહકો આવી ઓફર કોઈ પણ નકારે તેવી શક્યતા જ નથી. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી બંધ હોવાથી બ્રુઅરી તેના નિયમિત ગ્રાહકોને બીયરનું વેચાણ કરી શકતી નથી. પરિણામે, સરપ્લસ બીયર શરાબચાહકોને આપી રહી છે. આ વહેંચણીમાં તેમને દાન તરીકે ૪૫૦ પાઉન્ડ પણ મળ્યા છે. કંપની પણ ન્યૂકેસલ જનરલ હોસ્પિટલના ડિમેન્શિઆ વિભાગને તેમજ એલ્નવિક એરિયાના કેર હોમ્સમાં કેક્સ, બિસ્કિટ્સ અને ટોઈલેટરીઝનું દાન આપે છે.
એલ્નવિક બ્રુઅરી કંપનીએ સ્થાનિક નિવાસીઓને તેનો કાસ્ક (પીપમાં રહેલો) બીયર લઈ જવા જણાવ્યું છે. શરત એટલી જ છે કે તેમણે પોતાના કન્ટેનર લાવવાના રહેશે. લોકો પણ બોટલ્સ, તેમજ તમામ સાઈઝના વાસણો લઈને બીયર લેવા આવી જાય છે. જોકે, બદલામાં તેઓ ઈચ્છે તો NHS માટે થોડું દાન પણ આપી શકે છે. પબ્સ અને રેસ્ટોરાં બંધ થઈ જવાથી બ્રૂઅરીના ડઝનબંધ પીપડા ભરીને બીયર પડી રહ્યો છે. એક પીપમાં આશરે ૭૦ પિન્ટ (૪૦ લિટર) બીયર સમાય છે. એક નિવાસીએ તો બાથટબ ભરીને બીયર લઈ જવાની રમૂજ કરી હતી, તો એક વ્યક્તિ ૨૦ લીટરના બે કેન્સ સાથે આવી હતી.
બ્રૂઅરીના સહમાલિક ઈયાન રોબિન્સને કહ્યું હતું કે ઈસ્ટરને ધ્યાનમાં રાખી વધુ બીયર તૈયાર કરાયો હતો. અચાનક ધંધો બંધ થઈ ગયો ત્યારે તેને વહેંચી ડોનેશન મારફત થોડા નાણા ઉભા કરી શકાય. બીયર લાંબો સમય રાખી શકાતો નથી અને હજુ થોડા સપ્તાહ તેની વહેંચણી ચાલુ રખાશે. લોકો ચાલીને, સાઈકલ અને મોટરબાઈક પર આવતા જાય છે હા, હજુ કોઈ કારવાળી વ્યક્તિ આવી નથી.