લંડનઃ સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા છવાઈ ગયાં પછી તરુણાવસ્થાની પ્રેગનન્સીઓ ઘટી હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા પરથી જણાય છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીઓમાં ૨૦૦૭થી સગર્ભાવસ્થાનો દર ૪૫ ટકા ઘટીને છેલ્લાં ૫૦ વર્ષમાં સૌથી તળિયે પહોંચ્યો છે. ટીનએજ પ્રેગનન્સીમાં આશ્ચર્યજનક ઘટાડાથી અનેક થીઅરીઓ વહેતી થઈ છે, જેમાં સેક્સ એજ્યુકેશનના ક્લાસીસથી લાભ યુવા માતૃત્વ તરફ બદલાયેલા અભિગમ અને ઈમિગ્રેશનની અસરનો સમાવેશ થાય છે.
જોકે, કેટલાંક એમ માને છે કે સોશિયલ મીડિયાના કારણે યુવાવર્ગ એકબીજાના સાથીઓ સાથે શારીરિક સહચાર ઓછો માણી રહ્યા છે. વર્ષ ૨૦૦૭માં ફેસબુકનો પ્રસાર યુનિવર્સિટી કેમ્પસીસની પણ બહાર વધી ગયો ત્યારથી સોશિયલ મીડિયા સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું છે.
ટીનએજ પ્રેગનન્સીની સાથોસાથ શરાબપાન, માદક દ્રવ્યોનું સેવન સહિત જોખમી વર્તણૂકમાં પણ ઘટાડો જોવાં મળ્યો છે. બાળકોની ચેરિટી સંસ્થાઓ અને નિષ્ણાતોએ વારંવાર ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પરનો વિસ્ફોટ યુવા વર્ગને અજાણ્યા લોકો દ્વારા જાતીય શોષણ અને સેક્સસંદેશા તરફ વળવાનું નવું જોખમ ઉભું કરે છે. જોકે, નવા આંકડા દર્શાવે છે કે ટીનેજર્સના સામાજિક જીવનના વર્તનમાં ફેરફાર તેમને સહાયકારી પણ નીવડી શકે છે.


